રાષ્ટ્રીય બંધારણ દિવસ
ભારત દેશમાં દર વર્ષે ૨૬ નવેમ્બરે રાષ્ટ્રીય બંધારણ દિવસ (राष्ट्रीय संविधान दिवस) (National Constitution Day)ની ઉજવણી કરવામાં આવે છે. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના દિવસે ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યુ હતું અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે બંધારણ અમલમાં આવ્યું હતું. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
૧૯ નવેમ્બર, ૨૦૧૫ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે ૨૬ નવેમ્બરને 'રાષ્ટ્રીય બંધારણ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૫માં ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે એટલા માટે પણ ખાસ છે કારણ કે તે વર્ષે બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી હતી.
ભારત દેશના બધા લોકોને સમાન તક મળી રહે તે માટે તેમજ દેશના સરળ સંચાલન માટે બંધારણ ઘડવામાં આવ્યું હતું. બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને 'બંધારણ સભા' કહે છે. બંધારણ સભામાં કુલ ૩૮૯ સભ્યો હતા. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ બંધારણસભાના અધ્યક્ષ હતા અને ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ હતા. બંધારણ સભાની પ્રથમ બેઠક ૯ ડિસેમ્બર, ૧૯૪૬ના રોજ મળી હતી. ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબને ભારતીય બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબે બંધારણના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણસભાએ સ્વીકાર્યું હતું અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું હતું.
ભારત દેશના બંધારણની મૂળ નકલો ટાઈપ કે પ્રિન્ટ કરવામાં આવી ન હતી. તે હસ્તલિખિત હતું. બંધારણ લખવાની કામગીરી ૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસમાં પૂર્ણ થઈ હતી. ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. તેના ઘણા ભાગ યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, જર્મની, આયર્લૅન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાનના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. બંધારણમાં દેશના નાગરિકોના મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, સરકારની ભૂમિકા, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની સત્તાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્રનું કામ શું છે, દેશ ચલાવવામાં તેમની ભૂમિકા શું છે, આ તમામ બાબતોનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણીનો હેતુ દેશના લોકોમાં બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસે સરકારી કચેરીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે સ્થળોએ બંધારણના આમુખના વાચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. બંધારણ નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપનાર ભારતના પ્રથમ કાયદામંત્રી, ભારત રત્ન ડૉ. આંબેડકર સાહેબને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે.
બંધારણસભા : બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને 'બંધારણસભા' કહે છે. બંધારણસભામાં કુલ ૩૮૯ સભ્યો હતા.બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી ૨૩ સમિતિઓની રચના કરવામાં આવી હતી. ડૉ.રાજેન્દ્ર પ્રસાદ બંધારણસભાના અધ્યક્ષ હતા. ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ હતા. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબનું વિશેષ યોગદાન હતું, તેથી તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે.
બંધારણસભાની પ્રથમ બેઠક ૯ ડિસેમ્બર, ૧૯૪૬ ના રોજ મળી હતી. બંધારણસભાએ ૨ વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસમાં મળેલી કુલ ૧૬૬ બેઠકોમાં બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્ત્વની બાબતોનો અભ્યાસ કરીને ભારતીય બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. ભારત દેશની આઝાદી બાદ ૨૬ નવેમ્બર, ૧૯૫૦ ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણસભાએ સ્વીકાર્યું હતું. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું.
દર વર્ષે ૨૬ નવેમ્બરે રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્લીમાં સંસદભવન અને રાષ્ટ્રપતિ ભવનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. બંધારણ નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપનાર ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે.
આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે પ્રસ્તાવના. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. ભારત સંઘ રાજ્ય છે એટલે કે ભારત જુદા જુદા રાજ્યોનો બનેલો એક સંઘ છે. સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની રચના કરવામાં આવી છે. (૧) સંઘ સરકાર (૨) રાજ્ય સરકાર. સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે ઓળખવામાં આવે છે. ભારત દેશનું બંધારણ નાગરિકોને લોકશાહીના મૂળભૂત હકો અને ફરજોની પ્રતીતિ કરાવે છે.
મૂળભૂત હકો : (૧) સમાનતાનો હક (૨) સ્વતંત્રતાનો હક (૩) શોષણ સામે વિરોધનો હક (૪) ધાર્મિક સ્વતંત્રતાનો હક (૫) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક (૬) બંધારણીય ઈલાજોનો હક
No comments:
Post a Comment