menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Friday, November 29, 2024



નમસ્કાર મિત્રો,

સાયકલ મારી સરર..રર.. જાય... ટીન ટીન ટોકરી વગાડતી જાય..... આ નાનપણનું બાળગીત આપણે ખુબ સાંભળ્યું હશે અને આજે પણ એ ગીત ગાતા નાનપણની ઘણી યાદો તાજા થઇ જાય. આજના ઝડપી અને ટેક્નોલોજીસભર યુગમાં હજુ પણ એક વાહન આપણી વચ્ચે એવું છે જે તેની શોધના 200 વર્ષ પછી પણ લોકો માટે ઉત્સુકતા જગાવે છે. સાયકલ તેની શોધ વખતથી અત્યાર સુધીમાં તેની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ ફરતો રહ્યો છે. પહેલા તે એક માનવીને ચાલવાની સરળતાનું સાધન બન્યું તો પછી તે એક પરિવહન વાહન બન્યું, ત્યારબાદ બીજા બળતણની મદદથી ચાલતા વાહનો માટે પાયો બન્યું તો સામાન્ય માણસો માટે તેનું પર્સનલ વેહિકલ બન્યું. ધીમે ધીમે સ્પોર્ટ્સની રમત, સર્કસમાં સ્ટન્ટ અને ખેલ જગતમાં સાયકલ પ્રવેશી તો છેલ્લે માનવીના સ્વાસ્થ્યને સાચવી રાખવા માટે એક્સરસાઇઝના રૂપમાં પણ સાયકલને ખુબ માન્યતા મળી. ફિઝિકલ હેન્ડીકેપ માટેની સાયકલે અશક્ત લોકોને શક્તિ આપી દોડવાની તો ગિયર વાળી સાયકલે તો સાયકલની દુનિયામાં કંઈક અલગ જ છાપ ઉભી કરી. નાના બાળકોથી લઇ મોટા વ્યક્તિઓ સુધીની વિશાળ રેન્જ અને વિવિધ દેખાવ સાથેની સાયકલ આજે બેટરી સાયકલના રૂપમાં પણ આવી ચુકી છે. એક સમયે જયારે સાયકલની દુકાનમાં જતા તો 2-5 પ્રકારની સાયકલ જોવા મળતી પરંતુ આજે દુકાન શોરૂમમાં ફરી ગઈ છે અને વિવિધ વેરાયટી, રંગો અને સાઈઝમાં સાયકલો આ પેટ્રોલ, ડીઝલ, ગેસ કે ઇલેક્ટ્રિક વાહનોના યુગમાં પણ ધૂમ મચાવી રહી છે. આજે આપણે આ જ સાયકલના ઇતિહાસના સફર પર જવાનું છે.

સાયકલની શોધ ક્યારે અને કોના દ્વારા થઇ હતી?

સાયકલનો ચોક્કસ ઇતિહાસ અને તેના શોધક વિષે નજીવા સમયમાં શોધ થઇ હોવા છતાં એક નામ અને સ્થળની સ્પષ્ટતા મળી નથી. ચાર પૈડાં વાહનની શરૂઆત કે શોધને સાયકલની શોધની જનની માનીએ તો સન 1418 માં જિઓવાની ફોન્ટાના (Giovanni Fontana) નામની એક ઇટલીની મહિલા દ્વારા ચાર પૈડાનું એવું વાહન બનાવવામાં આવ્યું હતું જેમાં દોરડાને ખેંચી વાહનના ગિયર અને પૈડાં ચાલતા હતા. એ સમય પછી ઘણા લોકો એવા વાહનની શોધમાં લાગી ગયા હતા જેને આજે આપણે સાયકલ કહીએ છીએ. સન 1817 માં બેરોન કાર્લ વોન ડ્રેઇસ (Baron Karl von Drais) નામના જર્મન એંજીન્યરે લૌફમશીન (Laufmaschine) બનાવ્યું જેનો જર્મન ભાષામાં મતલબ થાય છે દોડતું મશીન. એ સમયમાં પેપરોમાં એ મશીનનું નામ ડાર્સીની છપાયું પરંતુ તેને 1818 માં જયારે પેટેન્ટ કરવામાં આવ્યું ત્યારે તેને વેલોસીપેડ નામ મળ્યું હતું. આ એક એવું મશીન હતું જે માનવી દ્વારા ચલાવી શકાતું, કંટ્રોલ કરી શકાતું અને સંપૂર્ણ લાકડાંથી બનેલું હતું. બનાવટ પરથી અને એ સમયના પરિવહન માટે વપરાતા ઘોડાની જગ્યા લઇ શકે તેવું લગતા તેને લોકોએ હોબ્બી હોર્સ કે ડેન્ડિ હોર્સ નામ આપ્યું. આ પ્રકારની બનાવટ જર્મની અને ફ્રાન્સમાં ખુબ પ્રચલિત થઇ હતી જેથી તેનું કોમર્શિયલ બનાવટ અને વેચાણ પણ થતું હતું. આ મશીન દ્વારા એક પરીક્ષણમાં એક કલાક કરતા પણ ઓછા સમયમાં 13 કી.મી. જેટલું અંતર કાપવામાં આવ્યું હતું જેથી આ વાહનની ક્ષમતા લોકોને કહી શકાય.

1820 થી 1850 નો સમય સાયકલની દુનિયામાં ત્રણ અને ચાર પૈડાં વાળા વાહનનો હતો. આ સાયકલ પણ ખુબ પ્રચલિત થઇ હતી કારણ કે કાર્લ ડ્રેઇસના હોબ્બી હોર્સની સરખામણીએ આ મશીન ચલાવવામાં બેલેન્સ રાખવું પડતું ન હતું.


1839 માં એક સ્કોટિશ લુહાર ક્રિકપેટ્રિક મેકમિલને (Kirkpatrick Macmillan), ફોર બાર મિકેનિઝમનો ઉપયોગથી પગ દ્વારા ચાલતું એક વાહન બનાવ્યું જેને ફરીથી આ વાહનને દ્વિ ચક્રી વાહનમાં ક્રાંતિ લાવી દીધી હતી. આ વાહનને આજની સાયકલની જેમ જ વાળવા કે કંટ્રોલ કરવા હેન્ડલ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ દુનિયાભરના અનેકો એંજિન્યરો આ પ્રકારના વાહનમાં અનેકો ફેરફારો કરી વધુ સફળ, આરામદાયક અને કાર્યદક્ષ વાહન બનાવવા લાગ્યા. 1863 માં ફ્રેન્ચ એંજિન્યરે પ્રથમ ક્રેન્ક અને પેડલથી ચાલતી સાયકલ બનાવી જે તેના આગળના પૈડાંને ચલાવતું હતું જેના માટે એક અમેરિકી પેટન્ટ "પેડલ બાયસિકલ" પણ નોંધવામાં આવી હતી. આ એજ સમય હતો જયારે આ પ્રકારના વાહન કે મશીનને તેનું આજનું નામ સાયકલ મળ્યું.

1870 માં પેડલથી ચાલતી સાયકલ દુનિયાભરમાં ધૂમ મચાવતી હતી ત્યારે 1869 થી 1880 દરમિયાન હાઈ વ્હીલ સાયકલે દુનિયાભરનું આકર્ષણ પોતાની તરફ કર્યું હતું. એ સમયમાં ફ્રેન્ચ વ્યક્તિ યુગેન મેયરે (Eugène Meyer) એક મોટું વ્હીલ અને બીજું નાનું વ્હીલ હોઈ તેવી એક ડિઝાઇન તૈયાર કરી જે આપણે ઘણી વખત ફોટો કે સર્કસમાં જોતા હોઈએ છીએ. આ પ્રકારની સાયકલ ડિઝાઇન 1890 સુધી ખુબ ચાલી અને બન્ને પૈડાંના સાઈઝનો ફેરફાર પણ ધીમે ધીમે ઓછો થતો ગયો અને આખરે 10 ઓક્ટોબર 1889 માં આઇઝેક આર. જોહન્સન (Isaac R Johnson) દ્વારા આજે પણ મળતી લેડીસ સાયકલ જેવી એક ડિઝાઇન પેટેન્ટ કરવામાં આવી જે દુનિયાભરમાં ખુબ સફળ રહી જેને "ફોલ્ડિંગ બાઈસીકલ" નામ આપવામાં આવ્યું. 

19 મી સદીની શરૂઆતમાં સાયકલ યુરોપભરમાં વાહન વ્યવહાર માટે ખુબ પ્રચલિત માધ્યમ બની ગયું હતું અને નવી નવી સાયકલ ડિઝાઇનો માર્કેટમાં દરવર્ષે આવી રહી હતી એ સમયે સાયકલમાં ઇંધણથી ચાલતા એન્જીનો લગાવી તેને વધુ ઝડપી, આરામદાયક બનાવવાના પ્રયાસો ચાલુ થઇ ગયા હતા જેમાં અમેરિકા અને જર્મની ખુબ આગળ હતું. પહેલા વિશ્વયુદ્ધ સમયે સાયકલ ખુબ મોટું સાધન બાયું ત્યારે અમેરિકામાં સાયકલનું ચલણ મોટર સાયકલે લઇ લીધું હતું જેથી સાયકલ માત્ર બાળકો માટે રમવા તથા શોખની વસ્તુ બની ગઈ હતી.

વિશ્વની સૌથી પ્રચલિત સાયકલ જે આજે પણ ખુબ પ્રચલિત છે "ફ્લાયઇંગ પીજન" (Flying Pigeon)

દુનિયાની સૌથી પ્રચલિત સાયકલ ડિઝાઇન કે જેણે દુનિયાભરમાં ધૂમ મચાવી હતી અને સાયકલ ઉધોગને એક નવી બુલંદી પર પહોંચાડી હતી. આ સાયકલની ડિઝાઇન ચીનની હતી અને તેણે 1990 સુધીમાં લાખો યુનિટો દુનિયાભરમાં વેચ્યા હતા. આ સાયકલ માત્ર 20 કિલોની હતી છતાં ખુબ વધુ ભાર વહન કરી સકતી તેમજ વાહન વ્યવહાર માટે પણ ખુબજ ઉપયોગી થતી હતી. 

અમેરિકા જેવા વિકસિત દેશો વર્ષોથી સાયકલને ત્યાગી મોટર સાયકલ અને મોટર કાર પર વળી ચુક્યા હતા પરંતુ તેઓ સાયકલને શોખ, સ્પોર્ટ્સ અને બાળકો માટે અવનવી ડિઝાઈનો તૈયાર કરી માર્કેટમાં મૂકી રહ્યા હતા. પાતળા વ્હીલની ઓછા વજન વાળી રેસર સાયકલ તેમજ શોખીન લોકો માટેની ક્રુઝર સાયકલ અમેરિકાની જ શોધ અને બનાવટ હતી. તેમણે રેસિંગ માટે એલ્યુમિનીમ ટ્યુબીંગનો ઉપયોગ કર્યો તેમજ વધુ મજબૂતાઈ માટે કાર્બન ફાઈબરનો પણ ઉપયોગ કર્યો જેથી આજની મોર્ડન સાયકલ આજ ડિઝાઇન અને શોધથી પ્રેરિત છે.  

સાયકલના વિવિધ પ્રકારો

સાયકલમાં સામાન્ય રીતે તમે શોરૂમમાં જોવા જાઓ ત્યારે મગજમાં બેજ પ્રકાર લઇને જતા હશો. ગિયર વાળી અને ગિયર વગરની સાયકલ. ખરા અર્થમાં આ બે પ્રકાર સાયકલના પ્રકાર નહિ પરંતુ ફીચર છે. સાયકલ તેના 11 પ્રકારોમાં વિભાજીત છે જે તેના આકાર, ઉપયોગને આધારે છે. રોડ બાઈક, માઉંટેન બાઈક, ટુરિંગ બાઈક, ફોલ્ડિંગ બાઈક, ફિક્સડ ગિયર અથવા ટ્રેક બાઈક, બી.એમ.એક્સ. (BMX), રીકમબન્ટ બાઈક (Recumbent Bike), ક્રુઝર બાઈક, હાઈબ્રીડ બાઈક, સાયક્લોક્રોસ બાઈક (Cyclocross Bike) અને ઇલેક્ટ્રિક બાઈક.


 

સાયકલની શોધ માનવ ઇતિહાસની એક એવી મહાનતમ ખોજ છે જેણે માનવીને કંઈપણ ગુમાવ્યા વિના ઘણું બધું આપ્યું છે. કોઈપણ પ્રકારના વાહનવ્યવહાર માટે આપણે સેજ માત્રાથી લઇ ભયંકર પ્રદુષણ કરીએ છીએ તેમજ બેઠાડા જીવનને કારણે શરીરને કસરત પણ કરાવી શકતી નથી અને અનેક રોગોના ભોગી બનીએ છીએ. આજે ઘણા દેશોમાં અને મોટી મોટી કંપનીઓમાં તેમના કર્મચારીઓને પણ સાયકલ ચલાવવા માટે પ્રમોટ કરવામાં આવે છે જેથી પ્રદુષણ ઓછું થાય તેમજ દેશમાં ક્રૂડનું બચત અને વિદેશી હૂંડિયામણ ઓછું વેડફાય અને આ દરેકથી પણ વધુ ફાયદાકારક તેમના કર્મચારીની સેહદ સારી થાય. છે.

 by Dr. Hardik Ramani (Gujarati Blog)

 

Tuesday, November 26, 2024

 રાષ્ટ્રીય બંધારણ દિવસ 


        ભારત દેશમાં દર વર્ષે ૨૬ નવેમ્બરે રાષ્ટ્રીય બંધારણ દિવસ (राष्ट्रीय संविधान दिवस) (National Constitution Day)ની ઉજવણી કરવામાં આવે છે. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના દિવસે ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યુ હતું અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે બંધારણ અમલમાં આવ્યું હતું. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

    ૧૯ નવેમ્બર, ૨૦૧૫ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે ૨૬ નવેમ્બરને 'રાષ્ટ્રીય બંધારણ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૫માં ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે એટલા માટે પણ ખાસ છે કારણ કે તે વર્ષે બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી હતી.

      ભારત દેશના બધા લોકોને સમાન તક મળી રહે તે માટે તેમજ દેશના સરળ સંચાલન માટે બંધારણ ઘડવામાં આવ્યું હતું. બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને 'બંધારણ સભા' કહે છે. બંધારણ સભામાં કુલ ૩૮૯ સભ્યો હતા. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ બંધારણસભાના અધ્યક્ષ હતા અને ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ હતા. બંધારણ સભાની પ્રથમ બેઠક ૯ ડિસેમ્બર, ૧૯૪૬ના રોજ મળી હતી. ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબને ભારતીય બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબે બંધારણના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણસભાએ સ્વીકાર્યું હતું અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું હતું.

 


      ભારત દેશના બંધારણની મૂળ નકલો ટાઈપ કે પ્રિન્ટ કરવામાં આવી ન હતી. તે હસ્તલિખિત હતું. બંધારણ લખવાની કામગીરી ૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસમાં પૂર્ણ થઈ હતી. ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. તેના ઘણા ભાગ યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, જર્મની, આયર્લૅન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાનના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. બંધારણમાં દેશના નાગરિકોના મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, સરકારની ભૂમિકા, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની સત્તાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્રનું કામ શું છે, દેશ ચલાવવામાં તેમની ભૂમિકા શું છે, આ તમામ બાબતોનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો છે.

      રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણીનો હેતુ દેશના લોકોમાં બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસે સરકારી કચેરીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે સ્થળોએ બંધારણના આમુખના વાચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. બંધારણ નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપનાર ભારતના પ્રથમ કાયદામંત્રી, ભારત રત્ન ડૉ. આંબેડકર સાહેબને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે.

   આપણો દેશ લોકશાહી દેશ છે. આપણા દેશમાં વિવિધ ધર્મ, જાતિ અને ભાષા ધરાવતા લોકો વસે છે. અનેક વિવિધતા છતાં દરેકને સમાન તક મળી રહે તે માટે આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું છે.  દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે. બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે, જેને અનુસરીને સરકાર દેશનો વહીવટ કરે છે.                                                                                                                                 બંધારણનો અર્થ :  'કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે.'



       બંધારણસભા : બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને 'બંધારણસભા' કહે છે. બંધારણસભામાં કુલ ૩૮૯ સભ્યો હતા.બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી ૨૩ સમિતિઓની રચના કરવામાં આવી હતી. ડૉ.રાજેન્દ્ર પ્રસાદ બંધારણસભાના અધ્યક્ષ હતા. ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ હતા. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબનું વિશેષ યોગદાન હતું, તેથી તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે.

      બંધારણસભાની પ્રથમ બેઠક  ૯ ડિસેમ્બર, ૧૯૪૬ ના રોજ મળી હતી. બંધારણસભાએ ૨ વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસમાં મળેલી કુલ ૧૬૬ બેઠકોમાં બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્ત્વની બાબતોનો અભ્યાસ કરીને ભારતીય બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. ભારત દેશની આઝાદી બાદ ૨૬ નવેમ્બર, ૧૯૫૦ ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણસભાએ સ્વીકાર્યું હતું. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું. 

      દર વર્ષે ૨૬ નવેમ્બરે રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્લીમાં સંસદભવન અને રાષ્ટ્રપતિ ભવનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. બંધારણ નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપનાર ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે. 

      આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે પ્રસ્તાવના. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે.  ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. ભારત સંઘ રાજ્ય છે એટલે કે ભારત જુદા જુદા રાજ્યોનો બનેલો એક સંઘ છે. સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની રચના કરવામાં આવી છે. (૧) સંઘ સરકાર (૨) રાજ્ય સરકાર. સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે ઓળખવામાં આવે છે. ભારત દેશનું બંધારણ નાગરિકોને લોકશાહીના મૂળભૂત હકો અને ફરજોની પ્રતીતિ કરાવે છે. 



     મૂળભૂત હકો : (૧) સમાનતાનો હક (૨) સ્વતંત્રતાનો હક (૩) શોષણ સામે વિરોધનો હક (૪) ધાર્મિક સ્વતંત્રતાનો હક (૫) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક (૬) બંધારણીય ઈલાજોનો હક




                                      જાણવા જેવું

👉 બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે ૨૧ વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી. બંધારણ અમલી બન્યાનાં ૩૯ વર્ષ પછી ઈ.સ. ૧૯૮૯ માં બંધારણમાં ૬૧મો સુધારો કરવામાં આવ્યો ત્યાર પછી મતાધિકાર માટેની ઉંમર ૧૮ વર્ષ નક્કી કરવામાં આવી.

👉 ઈ.સ. ૧૯૭૬ના  ૪૨માં બંધારણીય સુધારાથી આમુખમાં 'બિનસાંપ્રદાયિક' શબ્દ ઉમેરવામાં આવ્યો.

👉 મૂળભૂત ફરજોનો સમાવેશ ઈ. સ. ૧૯૭૬માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે.