menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Friday, February 6, 2015

ચાહો તેને.....જે લખે છે!!!


     ચાહો તેને… જેણે વિશ્વને એની પાંચેય ઈન્દ્રિયથી જોયું, જાણ્યું અને મહેસુસ કર્યું છે અને એ કોઈ છઠ્ઠી ઈન્દ્રિયથી શબ્દોમાં ઉતારી તમને બતાવી શકે છે. તેને, જેની પાસે કદાચ પુસ્તકોથી ભરેલાં કબાટ નહીં હોય પણ અપાર પુસ્તકો એની આંખો દ્વારા એનાં મનમાં સંગ્રહાયેલાં હશે.
     એ કદાચ દુનિયા બહુ ફરી નહીં હોય પણ એ જ્યાં જ્યાં હશે ત્યાંની દુનિયા એ તમને શબ્દો વડે બતાવી શકશે. એ તમને કદાચ ક્યારેય કોઈ પાર્ટી, ફંક્શન કે ટોળાં વચ્ચે ના દેખાય એવું બને પણ એ તમને ક્યારેક કોઈ ઝિલના કિનારે કે કોઈ ઊંચી ટેકરીઓ પર ટહેલતી કે પછી કોઈ કોફી શોપના કોર્નરની ચેર પર એકલા બેસીને ખોવાયેલી હાલતમાં મળી શકે છે.
     ભલે ત્યારે એ કંઈ લખતી ના હોય પણ એની ફરતી આંખો અને વિચારશીલ મન દરેક ઘટનાઓને એની આગવી દ્રષ્ટિથી જોઈ શકે છે. એ આમ બેઠી હોય ત્યારે તમે એની પાસે જઈને બેસો તો એને ના પણ ગમે. કેમકે માનવ સ્વભાવથી એ બખૂબી પરિચિત છે પણ એની પાસે બેસીને જો તમે કોઈ ગમતાં પુસ્તકની વાત છેડશો કે પછી પ્રકૃતિના સંગીત વિષે પૂછશો અથવા ગાતાં પક્ષીઓના ગીત વિષે પૂછશો તો કદાચ એ તમારી વાતમાં હળવાશથી જોડાશે.
     ટોળાંમાંય ક્યારેક નજર આવતી એ એનાં એકાંત વિશ્વમાં તમને જલ્દીથી પ્રવેશવા નહીં દે કદાચ… પણ એનાં મૌનને આદર આપીને હળવેકથી એનાં વિચારો જાણવાનો પ્રયત્ન કરશો તો એ ખૂલી જશે સહજતાથી. ભીતરથી એ બંધ નહીં હોય, એની ભીતર વહેતી નદીના પ્રવાહને એમ જ વહેતો રાખી શકે એવા કોઈની એ રાહ જોતી હશે. ચાહો તેને જે લખે છે.
     એને આનંદમાં રાખવા તમે એને કોઈ મોલ, મુવી કે રેસ્ટોરન્ટમાં નહીં લઈ જાઓ તો એને ફરિયાદ નહીં હોય પણ તમે એને કુદરતના સાનિધ્યમાં લઈ જશો તો એને ગમશે કેમ કે એને ત્યાં પણ પ્રકૃતિ સાથે સંવાદ સાધીને શબ્દસ્થ કરવાની પૂરતી તક મળશે. જ્યારે એ વહેતી નદીમાં પગ ડૂબાડીને તમને ઝરણાંનું ધીમું સંગીત સંભળાવશે ત્યારે તમે બે ઘડી જિંદગીની વેદનાનું ગીત ભૂલી જશો.
     એને ચાહો, કારણ એની પાસે તમારે બધી જ વાતના ખુલાસા કરવાની જરૂર નહીં પડે. થોડાં શબ્દોમાં એ કેટલુંય સમજી લેશે કારણકે એ લખે છે અને લખવું એટલે એહસાસને જ તો શબ્દોમાં ભરવાની વાત છે.
     તમારા ના બોલાયેલાં શબ્દોને એ તમારી આંખોમાં વાંચી શકશે કેમ કે, એણે વ્યક્તિઓના મનનો અભ્યાસ બધાંય પૂર્વગ્રહો બાજુ પર મૂકીને કરવાં માટે પોતાની જાતને કેળવી છે.એ તમારી પર પોતાની વાતને થોપી દેવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરે, એને ખબર હશે કે તમારી પરિસ્થિતિવશ તમારે કંઈપણ કરવું પડ્યું હશે.
     ચાહો એને… જેની પાસે તમે સાવ મુક્ત હશો. તમારી અંદર જે વલોવાય છે પણ કોઈનેય કહી નથી શકાતું એ સાવ સહજતાથી એની પાસે કહેવાઈ જશે. કારણ હવે તમે જાણતાં જ હોવા જોઈએ કે એ જ ફક્ત વાતને સમજશે. કોઈ નિર્ણય પર આવી જઈને તમને એકાદ માની લીધેલાં ચોકઠામાં ફીટ કરીને નહીં બેસાડી દે.
     એ લખી શકે છે કારણકે એણે ભરપૂર વાંચ્યું છે. ફક્ત પુસ્તકોમાં જ નહીં પણ માણસોનેય વાંચ્યા છે. એ દરેક સજીવની સંવેદનાને સ્પર્શી શકે છે, મહેસુસ કરી શકે છે એટલે જ તો એને એ શબ્દ રૂપે વહાવી શકે છે!!
     જિંદગીની નાની-મોટી નિષ્ફળતાઓથી નિરાશ થઈને તમે બેઠા હશો ત્યારે એ એવી સહજતાથી તમારું મન વાળશે કે એકવાર ભૂલી જશો કે નિરાશા કેમ હતી!!! એ જાણે છે કે દરેક નકારાત્મક વાત પાછળ કંઈક હકાર છૂપાયેલો છે, જેનો એહસાસ એ તમને જીવનની ઘણી ઘટનાઓમાં કરાવી શકશે.

     ચાહો એને જે લખે છે કેમ કે એ કોઈ સામાન્ય નહીં હોય. ક્યારેક તમને એ અતિ સમજદાર તો ક્યારેક સાવ પાગલ કે ધૂની લાગી શકે છે. ક્યારેક એકલાં એકલાં એને કોઈ ધૂન ગુનગુનાવતી સાંભળશો તો ક્યારેક ભીડ વચ્ચે એનું મૌન પણ મળશે તમને. આવા સમયે એની પાસે બેસીને ફક્ત એને સમજવાની કોશિષ કરજો, એને ચૂપ કરી દેવાની કે બોલાવવાની નહીં. કારણકે એ પછી એનાં આ સ્થિતિઓના અનુભવો, એનાં મનમાં ઉઠતાં તરંગોને એનાં જ શબ્દોમાં તમે વાંચી શકશો. ત્યારે જ કદાચ એનું ગાવું કે એનું મૌન તમને વધારે ગહનતાથી સમજાશે.
     જે લખે છે એ સ્વપ્નસૃષ્ટિના અતિ રોમાંચક વિશ્વની સફર તમને કોઈ જાદુઈ બલૂનમાં બેસીને કરાવશે, જ્યાં સુખ જ સુખ હશે. અનહદ સુખને પણ કેમ જીરવવું એ તમને એની પાસેથી જાણવા મળી શકે. વળી ક્યારેક તમને એ કોઈ ગંધાતી ગલીઓમાં પનપતી લોહિયાળ વાસ્તાવિકતાના ખાબોચિયામાંય પટકી દેશે, ત્યારે એ તમને જિંદગીનું પથરાળ સત્ય પણ સહજતાથી સ્વીકારવાનું શીખવાડશે.
    
     એનાં પર પોતાના ગમા-અણગમા કે અભિપ્રાયો થોપવાની કોશિષ કરશો તોએ કદીય નહીં સ્વીકારે, બલ્કે તમારા ગમા-અણગમાને એ તમારી સાથે હશે ત્યારેજ સમજી જતી હશે. જો બારીકીથી જોશો તો સમજાશે કે, એ તમારી સાથે એ જ રીતનું વર્તન કરતી હશે જેવું તમે ઈચ્છો છો.
     જ્યારે એનું મન વ્યથિત થઈ ગયું હોય, એ કંઈ લખી ન શકતી હોય ત્યારે ઠાલાં સહાનુભૂતિના શબ્દો વડે એને શાંત કરવાના પ્રયત્નોને બદલે એનો હાથ પકડીને એની ગમતી જગ્યાએ લઈ જશો તો એની વ્યથા દૂર કરવા માટે કોઈ જ શબ્દોની જરૂર કદાચ નહીં પડે. એ સાચી છે કે ખોટી એનો ન્યાય તોલવાને બદલે એને ભરપૂર પ્રેમ આપશો તો એની સાથે જીવવાનો આનંદ કંઈક ઓર જ હ્શે.
     એ અગર એક શબ્દમાં પણ કહે કેઃ “હું ચાહું છું તમને”…. તો સમજી લેજો કે એ પોતાની સમગ્રતાથી તમને ચાહતી હશે, તમને બદલી નાખીને એને અનુકૂળ કરી નાખવાના કોઈપણ પ્રયત્ન વિના. એ તમારી પાસે એની કોઈ પણ ફરમાઈશ પૂરી કરી આપવાની જીદ નહીં કરે, સિવાય કે એનાં સ્વતંત્ર વ્યક્તિત્વનો સહજ સ્વીકાર. કારણ એ પણ એને જ ચાહે છે જેવા તમે છો. એ સમજે છે કે માણસને સંજોગો, અનુભવો અને વિચારો ઘડે છે.
     એ તમારા ગુસ્સાનેય આદર આપશે કેમ કે, ગુસ્સા પાછળ છલકતો પ્રેમ એ અનુભવી શકે છે. તમે અગર કોઈ કારણસર એનાથી દૂર થઈ જશો તો એ તમને ધિક્કારશે નહીં. એ રાહ જોશે તમારી. માનવીય સ્વભાવનો અભ્યાસ એને એમ કરવા પ્રેરશે. ચાહો એ છોકરીને જે લખે છે.

     તમે એનાથી માઈલો દૂર હશો તો પણ એ તમારા ખોળામાં માથું રાખી રડી શકે છે અથવા તો ખડખડાટ હાસ્યથી તમને ભીંજવી શકે છે કારણકે, એ સમજે છે કે વ્યક્તિ દૂર હોઈ શકે છે, અહેસાસ નહીં. ચાહો એને જે લખે છે કારણકે, એની સાથે સાથે બૂઢ્ઢા થવાનીય એક મજા છે!

અને છેલ્લે......
જો તમારે આમાંનું કંઈપણ મહેસુસ ના કરવું હોય તો એજ સારું છે કે તમે તમારી ઈચ્છા મુજબના થોડાં-ઘણાં લેબલો ધરાવતી છોકરી કે છોકરાને પરણી નાખો, કેમ કે તમે જ આ છોકરી કે છોકરાને લાયક નહીં હો જે લખે છે!
( Inspired by the article ‘Date a Girl who travels and Date a girl who reads’)

No comments:

Post a Comment