બાળ-સ્વચ્છતાને જવાબદારીઓમાં ન વહેંચીએ
મિત્રો, અમિતાભ બચ્ચન સાહેબનો બાળ-સ્વચ્છતાં માટેની ઝુંબેશનો એક વિડીયો ટેલિવિઝન ઉપર પ્રસારિત થાય છે. જેના ધ્વારા દર્શાવાય છે કે દર વીસ સેકન્ડે એક બાળકનું મૃત્યુ જમતાં પહેલાં હાથ ન ધોવાને કારણે થાય છે.
હવે વિચારો કે જે માત્ર વીસ સેકન્ડે એક બાળક આપણાથી દૂર થઇ રહ્યું છે તે દુનિયામાં એક સ્થળ એ આપણી શાળા પણ છે. ત્યારે આપણને બાળકોની સ્વચ્છતા અંગેની ગંભીરતા સમજાય છે. પરંતુ જ્યારે પણ શાળામાં બાળકોની સ્વચ્છતા માટેનો મુદ્દો ચર્ચવામાં આવે છે ત્યારે ફેસબુક કે વોટ્સઅપના નોટિફિકેશનની જેમ જવાબદારીનું તીર ઘર-વાલી-સમાજ તરફ તકાય છે. ક્યારેક આર્થિક પરિસ્થિતિનો દોષ - તો ક્યારેક વાલીની અજાગૃતતા બે મુદ્દા આગળ ધરી ચર્ચાને વિરામચિહ્ન લગાવી દઈએ છીએ. અને જો સાચું કહું તો તે માટેની ચર્ચા કર્યાથી અથવા તો એક-બે વાર વાલીને સૂચનો આપ્યેથી આપણે બાળકની સ્વચ્છતા માટે ઘણો જ પ્રયત્ન કર્યો હોવાનો અહેસાસ કરી લઈએ છીએ. મિત્રો, વાલીની પરિસ્થિતિ અથવા તો અજાગૃતતા જ જો આ માટેનું કારણ હોય તો વિચારો કે આપણે અથવા તો આપણી પેઢીનો સ્વચ્છ બનનાર એ પ્રથમ વ્યક્તિ સ્વચ્છતાના પાઠ કોની પાસેથી શીખ્યો હશે? કોઈક તો હશે જ કે જેને આપણી પેઢીને સ્વચ્છ બનાવવા કમર તોડ પ્રયત્નો કર્યા હશે જ ! જેના ફળ રૂપે સ્વચ્છતા આપણી જીવનશૈલીમાં વણાઈ. પરંતુ સત્ય એ પણ છે કે આપણે જાગૃત નાગરિક તરીકે પણ કદી સ્વચ્છતાનાં આગ્રહી નથી બની શક્યા. ઉદાહરણ રૂપ આપણા સૌની શિક્ષક તરીકેની ભૂમિકા રૂપ સિક્કાની બીજી બાજુની વાત કરીએ તો આપણે આપણા પોતાના નાના બાળકોમાં સ્વચ્છતાં માટે ઘર કક્ષાએ કોઈ સ્પે.સમય અથવા તો સૂચનનું પ્રમાણ પણ નહીવત જણાશે. ક્યારેક ક્યારેક તો ઘરમાં બાળકની અસ્વચ્છતા દેખાતાં એવો પણ સૂર સંભળાય છે કે “ આટલા મોટા નખ ! તારા સાહેબ નિશાળમાં તને કશું કહેતાં પણ નથી? હવે નવાઈ ત્યારે લાગે છે કે શિક્ષક તરીકેની ભૂમિકામાં વર્ગખંડના બાળકોની સ્વચ્છતાં માટે વાલીને સુચના આપીએ છીએ અને કેટલાક આપણા વ્યવસાયી મિત્રો વાલી તરીકેની ભૂમિકામાં શાળા પાસે આ બાબતની અપેક્ષા સેવે છે, ત્યારે એક મોટો પ્રશ્ન આકાર પામે છે કે બાળકને “સ્વ-સ્વચ્છતા” તરફ માર્ગદર્શિત કરવાની જવાબદારી કોની? મિત્રો, શું આપણે સૌ આવી ગંભીર બાબત અંગેની જવાબદારી મારી નહી હોવાનું સાબિત કરવામાં જ સમય વ્યય તો નથી કરી રહ્યાને? આપણા નવાનદીસર શાળા પરિવારની વાત કરીએ તો શાળા પરિવારે પણ “બાળ-સ્વચ્છતા” માટેની જવાબદારી શિક્ષકની હોય તો પણ અને ન હોય તો પણ તેને સ્વીકારી હવેથી તે બાબત પર વધુ ધ્યાન આપવાની શરૂઆત કરી દીધી છે. જાગ્યા ત્યાંથી..... અમે, અમારા વર્ગખંડમાંના બાળકોની પેઢીના એ પુણ્યશાળી વ્યક્તિ બનવા માંગીએ છીએ- જે કોઈએ આપણી પેઢીને સ્વચ્છ બનાવવા જેવું ભગીરથ કાર્ય કર્યું હતું. અત્રેના પ્રયત્નોમાં શાળાએ દરેક વર્ગમાં એક “નેઈલ મોનીટર’ એક “હેર મોનીટર” તો કોઈ બાળક “ક્લોથ મોનીટર”ની રચના કરી છે, વર્ગશિક્ષક દરેક મોનીટરને માર્ગદર્શિત કરી જરૂરી ઉપકરણ પૂરા પાડશે –જેમ કે નેઈલ મોનીટરને જરૂરી નેઈલ કટર તો હેર મોનીટરને કાંસકા – હેર ઓઇલ વગેરે. આ ઉપરાંત સમયાંતરે સામુહિક દાતણ અને તેના ધ્વારા દાતણ-દાંતનું મહત્વ વગેરે કાર્યક્રમો તો ખરા જ !
No comments:
Post a Comment