menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Sunday, December 21, 2014

દરેક માણસ બચપણથી જ એક યા બીજા પ્રકારની કટોકટીનો સામનો કરીને જીવતો હોય છે અને છતાં દરેક નવી મુસીબત જોઈને એ ગભરાઈ જાય છે. એનું કારણ મુસીબતનું નવું મહોરું હોય છે. અમે નાના હતા ત્યારે પૂંઠાંનાં અવનવાં મહોરાં - વાઘ, રાક્ષસ, ભૂત વગેરેનાં આવતાં હતાં. એ મહોરાં પહેરીને છોકરાઓ બીજાને બીવડાવતા હતા, કારણ કે જોનારને મહોરા પાછળનો ચહેરો દેખાતો નહોતો. મહોરા પાછળ પોતાનો મિત્ર હોય તોપણ એને તો એ રાક્ષસ જેવો જ લાગતો હતો એટલે એ ડરી જતો હતો. મુસીબત પણ દર વખતે નવાં નવાં મહોરાં પહેરીને જ આવે છે. ઘણી વાર તો એ મિત્ર હોય છે, પરંતુ જોનાર એને રાક્ષસ માનીને ડરી જાય છે.
બીજી સમજવા જેવી વાત એ છે કે, કોઈ મુસીબત બહારથી દેખાય છે એટલી ખરેખર વિકરાળ નથી હોતી. મુસીબતનું મહોરું હંમેશાં મુસીબત કરતાં વિકરાળ હોય છે. માણસ એ જોઈને જ છળી ઊઠે છે અને સામેથી જ હથિયાર હેઠાં મૂકી પરાજય સ્વીકારી લે છે.
આ બાબતમાં એક સૂફીની કથા જાણવા જેવી છે. કહેવાય છે કે, એક સંત પુરુષ એક વાર બગદાદ શહેરના પાદરમાંથી પસાર થતા હતા ત્યારે એક વિકરાળ વ્યક્તિને એમણે બગદાદમાં દાખલ થતી જોઈ. સંતે પૂછયું, "તું કોણ છે અને ક્યાં જાય છે?"
"હું પ્લેગ છું." પેલી વ્યક્તિએ કહ્યું, "અને બગદાદ શહેરમાં દસ હજાર વ્યક્તિઓનો ભોગ લેવા જઈ રહ્યો છું."
ઘણા વખત પછી એ જ સંત પુરુષ બગદાદના પાદરમાંથી પસાર થતા હતા ત્યારે તેમણે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે,શહેરમાં ખરેખર પ્લેગની બીમારી આવી હતી અને એમાં પચાસ હજાર માણસો મૃત્યુ પામ્યા હતા. એ સાંભળી સંતને આશ્ચર્ય થયું.
જોગાનુજોગ તેમને ફરી પ્લેગનો ભેટો થઈ ગયો. સંતે તેને સવાલ કર્યો, "તે દિવસે તેં કહ્યું હતું કે, બગદાદમાંથી તું દસ હજાર માણસોનો જીવ લેવાનો હતો, પરંતુ ત્યાં તો એ દિવસોમાં પચાસ હજાર માણસો મૃત્યુ પામ્યા હતા. મારી પાસે તું જૂઠું કેમ બોલ્યો હતો?"
પ્લેગે કહ્યંુ, "જનાબ, આપને મેં જે કહ્યું હતું તે સત્ય જ હતું. બગદાદમાં પ્લેગને કારણે દસ હજાર માણસો જ મૃત્યુ પામ્યા હતા. બાકીના તો ડરથી મરી ગયા હતા!"
મુસીબતનો ચહેરો એવો ભયંકર હોય છે કે એને જોઈને જ માણસ ફફડી જાય છે અને એની સામે ઝઝૂમવાના પ્રયત્નો તજી દે છે. એને જો ખ્યાલ આવી જાય કે, સામે આવેલી મુસીબત જેટલી દેખાય છે એટલી ભયંકર ખરેખર નથી, તો એનો સામનો કર્યા વિના રહે જ નહીં અને સામનો કરે તો સફળ થયા વિના પણ રહે નહીં, કારણ કે મુસીબતનો સામનો એ છેક બચપણથી કરતો આવ્યો હોય છે. એક વાર પંચાણું વર્ષના એક માણસનું પગનું હાડકું પડી જવાને કારણે ભાંગી ગયું. એ ઉંમર એવી છે કે, હાડકું ભાંગી જવાથી પથારીવશ થયેલો માણસ ભાગ્યે જ તેમાંથી ઊભો થાય છે અને કદાચ ઊભો થાય તો ચાલી તો શકતો જ નથી. પંચાણું વર્ષનો એ માણસ એના મનોબળને કારણે સાજો થઈને પથારીમાંથી ઊભો તો થયો, પણ એની ઉંમર અને સ્થિતિનો વિચાર કરીને ડોક્ટરોએ એને વ્હીલચેર વાપરવાનું કહ્યું.
"કેમ?" પેલા માણસે પ્રશ્ન કર્યો, "વ્હીલચેર હું શા માટે વાપરું?"
"તમારી આ ઉંમરે હવે કાંઈ તમે નવેસરથી ચાલતાં ન શીખી શકો. તમારે વ્હીલચેર જ વાપરવી જોઈએ."
"કેવી વાત કરો છો? આ ઉંમરે કેમ હું ચાલતાં ન શીખી શકું? હું માત્ર એકાદ વર્ષનો હતો ત્યારે જો ચાલતાં શીખી શક્યો, તો અત્યારે કેમ શીખી ન શકું? અત્યારે તો હું વધુ સમજણ અને વધુ આવડત ધરાવું છું."
અને પંચાણું વર્ષનો એ યુવાનવૃદ્ધ એક પછી એક, સતત પ્રયત્ન કરતો જ રહ્યો અને અંતે ચાલવાની બાબતમાં સફળ થયો. એને ના પાડનાર નિષ્ણાત ડોક્ટરો ખોટા પડયા અને એ સાચો પડયો.
કટોકટી ગમે તેવી હોય, માણસ જો એને પાર કરી જવા માટે પ્રયત્ન કરે તો મોટાભાગે સફળ થાય જ છે.
અને ધારો કે, પૂરી સફળતા ન પણ મળે તોપણ એને ગુમાવવાનું શું હોય છે? આવેલી કટોકટીના તાબે જઈ જવાથી તો નિષ્ફળતા જ મળવાની હોય છે. સામનો કરવાથી કદાચ સફળતા મળી શકે અને જો સફળતા મળે તો એ રીતે મળેલી સફળતા એની આવડત અને આત્મશ્રદ્ધામાં ઉમેરો કરે છે અને એને વધુ આગળ જવાનું બળ આપે છે.
એટલે, કટોકટી સામે આવીને ઊભી રહે- નિષ્ફળતા ડરાવતી હોય, ત્યારે તેને શરણે થઈ જવાને બદલે તેના ઉપર વિજય કઈ રીતે મેળવી શકાય અથવા તો તેને દૂર કરવાનો માર્ગ કઈ રીતે શોધી શકાય એની જ કોશિશ કરવી જોઈએ. સ્વસ્થતા અને ધીરજ રાખીને એવી કોશિશ કરનારને નિષ્ફળતા ઓછામાં ઓછું નુકસાન કરે છે અને આખરે સફળતા મળ્યા વિના પણ રહેતી નથી.

No comments:

Post a Comment