સાડા ત્રણ વજ્રની વાર્તા
એક દિવસ કુંતીમાતાએ પાંડવોને કહ્યુંકે સૌએ અગિયારસનો ઉપવાસ કરવાનો છે. ભીમે બહાના કાઢવા માંડ્યા કે એ ભૂખ્યો રહી જ ન શકે. ભૂખ્યા રહેવાના વિચાર માત્રથી એને તો નબળાઈ લાગવા માંડે છે! પરંતુ જયારે એણે જાણ્યું કે ઉપવાસ કરવાના આગલે દિવસે લાડુ ખાઈ શકાય ત્યારે એ ઉપવાસ કરવા સંમત થયો.
અગિયારસને દિવસે કુંતી માતાએ પાંડવ બંધુઓને નદી કિનારે આવેલા શિવ મંદિરે મોકલ્યા. બીજા ભાઈઓ નાહીને મંદિર ગયા. ભીમને આળસ હતું એટલે એ નદીના પાણીમાં પડખું કરીને સુઈ રહ્યો. ભીમના વિશાળ દેહથી પાણી રોકાઈ ગયું અને મંદીરમાં પ્રવેશવા લાગ્યું. પાર્વતીજીએ શિવજીને પૂછ્યું કે આવું કેમ? શિવજી હસવા લાગ્યા અને કહે કે, "આ તો મારા એક ભક્તની પૂજા કરવાની આવી રીત છે!" શિવજીએ સાક્ષાત પ્રગટ થઇ ભીમના શરીરના એ ભાગને સ્પર્શ કર્યો જે ઉપરના પડખે હતો. શિવજીએ ભીમને વરદાન આપ્યું કે એના શરીરનો આ ભાગ વજ્ર થઇ જશે!
એક દિવસ દુર્વાસા મુનિ સ્વર્ગના રાજા ઇન્દ્રને મળવા સ્વર્ગમાં ગયા. ઇન્દ્રએ મુનિનો આદર સત્કાર કર્યો. દુર્વાસા મુનિ આંખો બંધ કરીને ઇન્દ્રના દરબારમાં બેઠા. સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા ઉર્વશીએ નૃત્ય દ્વારા મુનિને ખુશ કરવા પ્રયત્ન કર્યો. એણે ખુબ જ સરસ નૃત્ય કર્યું પણ વ્યર્થ! ઉર્વશી ખુબ જ થાકી ગઈ. એ નિરાશ થઇ ને બોલી, "જંગલમાં રહેનારા બધા જંગલી જ હોય. એમને નૃત્યમાં શું સમજ પડે?"
દુર્વાસા મુનિએ ક્રોધિત થઇ શ્રાપ આપ્યો કે તેણે પૃથ્વી પર જવું પડશે. દિવસે તે એક ઘોડી થઈને અને રાતે સ્ત્રી થઈને રહેશે. ઇન્દ્ર અને અન્ય સભાસદોએ ખુબ વિનંતી કરી એટલે દુર્વાસાએ કહ્યું કે જયારે સાડા ત્રણ વજ્ર ભેગા થશે ત્યારે તે સ્વર્ગમાં પાછી આવી શકશે.
ઉર્વશી પૃથ્વી પર આવી ગઈ. તે દિવસે ઘોડી અને રાતે સ્ત્રી બનીને રહેવા લાગી. એક દિવસ દુર્યોધનના રાજયમાં આવેલ એક નાના પ્રદેશ સુંદીરનો રાજા ડાંગવ શિકાર કરવા નીકળ્યો. અચાનક જ રાતે એના પર એક વૃક્ષ ઉપરથી હુંફાળા આંસુના ટીપાં પડ્યાં. એણે ઉપર જોયું તો એક અત્યંત સુંદર સ્ત્રી રડતી હતી. ડાંગવ રાજાએ એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કર્યો. એ સ્ત્રી - ઉર્વશીએ રાજાને સાચી વાત કહી અને વચન માંગ્યું કે કોઈ પણ કિંમતે એને તરછોડશે નહિ.
અમુક સમય પસાર થતાં નારદજીએ વિચાર્યું કે ઉર્વશીને શ્રાપ મુક્ત કરવા કાંઇક કરવું જોઈએ. તેઓ શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમન પાસે ગયા અને એને કહ્યું કે એક સુંદર સ્ત્રી ડાંગવ રાજા સાથે રહે છે જે ખરેખર તો પ્રદ્યુમન સાથે હોવી જોઈએ! પ્રદ્યુમન આ સ્ત્રીને મેળવવા જીદ કરી બેઠો. ભગવાન કૃષ્ણ અને યાદવોને, પ્રદ્યુમનને મદદ કરવા સિવાય છૂટકો જ નહોતો. એટલે એમણે ડાંગવ રાજા સાથે યુદ્ધ શરુ કર્યું. ડાંગવ તો ઘણો નાનો રાજા હતો. એ યાદવો સામે લડી ન શકે.
એટલે એ દુર્યોધનની મદદ લેવા ગયો. દુર્યોધન યાદવો સામે યુદ્ધ કરવા નહોતો માંગતો એટલે એણે ડાંગવ રાજાને મદદ કરવાની ના પાડી. ડાંગવ પાંડવોની મદદ લેવા ગયો. યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા ના પાડી કારણકે શ્રીકૃષ્ણ તો એમના સગા ફોઈના દીકરા હતા. પરંતુ ભીમ તો એવું માનતો હતો કે એમની શરણે આવેલા ડાંગવ રાજાને મદદ કરવી જોઈએ. એટલે છેવટે પાંડવો અને યાદવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું.
આ ભીષણ યુદ્ધમાં ઘણા યોધ્ધાઓ માર્યા ગયા. શ્રીકૃષ્ણએ એમનું સુદર્શન ચક્ર કાઢ્યું તો પાંડવો શિવજીનું ત્રિશુલ લઇ આવ્યા! બંને વજ્રના શસ્ત્રો આકાશમાં ટકરાયા. ચારે બાજુ આગ લાગી ગઈ અને લોકો ગભરાઈ ગયા. આ બે વજ્રને રોકવાનો કોઈ ઉપાય જ નહોતો.
સોનેરી નોળિયાની વાર્તા
મહાભારતનું યુદ્ધ સમાપ્ત થતાં જયેષ્ઠ પાંડવ યુધિષ્ઠિર ભારત વર્ષના રાજા બન્યા. એમણે અશ્વમેઘ યજ્ઞ દ્વારા વિશાળ સામ્રાજયનું આધિપત્ય મેળવ્યું અને એમના રાજની સફળતાપૂર્વક શરૂઆત કરી. તેઓ અવારનવાર ગરીબો અને ભૂખ્યા લોકો માટે મિજબાનીઓનું આયોજન કરતા. ગરીબો અને બ્રાહ્મણોને ભોજન તથા દાન આપીને એમને ગર્વ થતો.
એક વખત આવો ભોજન સમારંભ યોજયા બાદ યુધિષ્ઠિર વિચારતા હતા કે દુનિયામાં એમના જેવો બીજો કોઈ રાજા હશે જે આવું દાનપૂણ્ય કરતો હોય? શ્રીકૃષ્ણ સમજી ગયા કે યુધિષ્ઠિર મનમાં શું વિચારી રહ્યા છે. શ્રીકૃષ્ણએ તરત જ એક લીલા રચી!
મહેમાનોએ ભોજન લઇ વિદાઈ લીધી પછી ભોજનમંડપમાં જયાં ભોજન લેવાયું હતું તે જગ્યાએ થોડું વધેલું અન્ન વેરાયેલું હતું. શ્રીકૃષ્ણ, યુધિષ્ઠિર અને અન્યો મહેલની અટારીમાં બેઠા હતા ત્યાંથી એમણે જોયું કે એક નોળિયો ક્યાંકથી આવ્યો અને જયાં અન્ન વેરાયેલું હતું ત્યાં દોડી ગયો. આ નોળિયો વિશિષ્ઠ લાગ્યો કારણકે એનું અડધું શરીર સોનેરી હતું! આ નોળિયો આમ થી તેમ દોડાદોડી કરતો હતો અને ખુબ જ અજંપામાં લાગતો હતો. યુધિષ્ઠિરે એને બોલાવીને પૂછ્યું કે એને શેનો અજંપો છે અને કઈ વાતની તકલીફ છે? નોળિયો બોલી શકતો હતો. એણે એક વાત કહી.
એણે એક સમયની વાત કહી જયારે ચારેકોર ભીષણ દુકાળ પડ્યો હતો અને ભયંકર ભૂખમરો થયો હતો. ખોરાકની અછત સર્જાતાં જીવનનિર્વાહ અત્યંત મુશ્કેલ બની ગયો હતો. આ નોળિયો ખોરાકની શોધમાં એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં જઈ ચડ્યો. ત્યાં બ્રાહ્મણની પત્ની કાંઇક રાંધતી હતી એટલે એ રસોડામાં કાંઇક ખાવાનું વધે એની રાહ જોવા લાગ્યો.
બન્યું હતું એવું કે બ્રાહ્મણ અને એના કુટુંબે કેટલાય દિવસોથી કાંઈ જ ખાધું નહોતું. ભિક્ષામાં થોડું અનાજ મેળવવા એણે ઘણો પ્રયત્ન કર્યો હતો પણ કાંઈ જ ન મળતાં તેઓ સાવ જ ભૂખ્યા રહેતા. નસીબ જોગે આજના દિવસે એને ઘઉંનો થોડો લોટ મળ્યો એટલે એ રાજી થતો ઘરે આવ્યો અને વિચારવા લાગ્યો કે આજે ઘણે દિવસે મને અને મારા કુટુંબને - મારી પત્ની, પુત્ર, પુત્રવધૂ ને કાંઈક ખાવા મળશે.
બ્રાહ્મણે સાંજની પૂજા કરી અને એના કુટુંબ સાથે જમવા બેઠો. જમવામાં ફક્ત ચાર જ રોટલી હતી એટલે દરેકને ભાગે ફક્ત એક જ રોટલી આવે એમ હતું! તેઓ જમવાની હજુ તો શરૂઆત જ કરતા હતા એવામાં દ્વાર પર એક ભિક્ષુક આવ્યો.
ભિક્ષુક ભૂખથી મરી રહ્યો હતો એટલે એણે તાત્કાલિક કાંઇક ખાવાનું આપવા કહ્યું. બ્રાહ્મણ માટે તો આ સત્યની કસોટી હતી! એક બાજુ એનું પોતાનું કુટુંબ ભૂખથી પીડાતું હતું અને અહીં ગૃહસ્થ ધર્મનું આચરણ કરવાનું હતું! ગૃહસ્થ માટે તો "અતિથી દેવો ભવ" - આંગણે આવેલ અતિથી તો ભગવાન ગણાય. એને યોગ્ય સત્કાર કર્યા વિના પાછો ન મોકલાય. ભૂખ્યા બ્રાહ્મણે એની પત્નીને કહ્યુંકે એના ભાગની રોટલી ભિક્ષુકને આપી દે. ભિક્ષુકે એક રોટલી ખાધી અને કહ્યુંકે, "અરે! આ રોટલી ખાઈને તો મારી ભૂખ ઉઘડી ગઈ. મને થોડું વધારે ખાવા આપો".
બ્રાહ્મણની પત્નીએ એના પોતાના ભાગની રોટલી પણ ભિક્ષુકને આપી દીધી. એણે વિચાર્યું કે પોતાના પતિ સાથે જવાબદારી નિભાવવાની એની ફરજ હતી. ભિક્ષુક હજુ ધરાયો નહોતો. એણે વધુ ખાવાનું માંગ્યું. બ્રાહ્મણના પુત્રએ પોતાના ભાગની રોટલી પણ આપી દીધી. ભિક્ષુક હજુ પણ ભૂખ્યો હતો એટલે બ્રાહ્મણની પુત્રવધૂએ પણ એના ભાગની રોટલી ભિક્ષુકને આપી દીધી. આ કુટુંબના જીવનની આ અંતિમ કસોટી હતી.
હવે ભિક્ષુકની ભૂખ શાંત થતાં એણે સંતોષ સાથે વિદાઈ લીધી. પરંતુ બ્રાહ્મણનું કુટુંબ હવે ભૂખ સહન કરી શકે એમ નહોતું. એક પછી એક ચારેય જણ મૃત્યુ પામ્યા! હેબતાઈ ગયેલા નોળિયાએ આ આખી ઘટના જોઈ. એ પોતે પણ ભૂખથી મરી રહ્યો હતો એટલે એ રસોડામાં થોડો લોટ પડ્યો હતો ત્યાં દોડી ગયો. એના શરીરનો થોડો ભાગ આ લોટને અડક્યો અને એણે આશ્ચર્ય સાથે જોયું કે એટલો ભાગ સોનેરી થઇ ગયો હતો! ત્યારથી આ નોળિયો ફરીવાર આવો ચમત્કાર થાય એની પ્રતીક્ષા કરી રહ્યો હતો. જેટલા પણ યજ્ઞ થતા હોય ત્યાં એ એવી આશા સાથે પહોંચી જતો કે એના શરીરનો બાકીનો ભાગ પણ સોનેરી થઇ જાય. પણ એને કોઈ સફળતા નહોતી મળતી.
આજે એને એમ હતું કે આટલા લાંબા સમયની એની પ્રતીક્ષાનો હવે અંત આવી જશે. આખી દુનિયામાં યુધિષ્ઠિર જેવું દાનેશ્વરી બીજું કોઈ જ નહોતું એટલે એમના યજ્ઞમાં તો આવો ચમત્કાર થવાની શક્તિ હોય જ. પરંતુ આવું ન થયું! વારંવાર વધેલા અન્નમાં આળોટ્યા કર્યું છતાં પણ એનું શરીર સોનેરી ન થયું. નોળિયો ખુબ જ હતાશ થઇ ગયો.
વ્યાઘની વાર્તા
એક સન્યાસી એક જંગલમાં ગયા. તેઓ એક વૃક્ષ નીચે ધ્યાન ધરવા બેઠા. વૃક્ષ ઉપર એક કાગડો અને બગલો ઝઘડતા હતા એટલે સન્યાસીને ધ્યાન ધરવામાં વિક્ષેપ પડતો હતો. સન્યાસી ગુસ્સે થઇ ગયા અને એમણે માત્ર એક વિચાર જ કર્યો કે આ કાગડો અને બગલો બળીને ભસ્મ થઇ જવા જોઈએ. સંન્યાસીનું ત્યાગમય જીવન અને ધ્યાનની એકાગ્રતા હોવાથી એમની પાસે અપાર શક્તિ આવી ગઈ હતી. એમના આ વિચાર માત્રથી જ કાગડો અને બગલો બળીને ભસ્મ થઇ ગયા! આ જોઇને સન્યાસીને પોતાની શક્તિ માટે અભિમાન થઇ ગયું.
એક દિવસ તેઓ ગામમાં ભિક્ષા લેવા ગયા. તેમણે એક ઘરે જઈને ભિક્ષા માંગી. ઘરમાં એક સ્ત્રી કામમાં વ્યસ્ત હતી. એણે સન્યાસીને થોડી રાહ જોવા કહ્યું. થોડો વધારે સમય રાહ જોવી પડી એટલે સન્યાસીને ગુસ્સો આવી ગયો. પેલી સ્ત્રી ઘરમાંથી ભિક્ષા લઈને બહાર આવી. એણે સન્યાસીને કહ્યું કે એમના માટે આવો ગુસ્સો કરવો યોગ્ય નથી અને દરેક વખતે પેલાં પક્ષીઓ બળી ગયાં એવું ન બને. સન્યાસીને ખુબ જ નવાઈ લાગી કે આ સ્ત્રીને જંગલમાં બનેલી ઘટનાની કેવી રીતે ખબર પડી?
સન્યાસીએ સ્ત્રીને એની આવી શક્તિ વિષે પૂછ્યું. એ સ્ત્રીએ કહ્યું કે તે ખુબ જ સમર્પિત થઈને એના કુટુંબની સેવા કરે છે. તે નિષ્ઠાપૂર્વક એના કામ કરે છે અને ભગવાનની સેવા કરતી હોય એવી રીતે ઘરડા સાસુ સસરાની સેવા કરે છે. આથી એને આવી શક્તિ મળી છે. એ સ્ત્રીએ સન્યાસીને એક વ્યાઘ - કસાઈ પાસે જઈને થોડું જ્ઞાન મેળવવા કહ્યું.
સન્યાસીને એક કસાઈ પાસે જ્ઞાન લેવા માટે સંકોચ તો થયો પરંતુ આ સ્ત્રીની શક્તિ જોઇને એમને થયું કે એણે જેની પાસે જ્ઞાન લેવાનું સુચન કર્યું છે એ વ્યાઘને મળવું તો જોઈએ. સન્યાસી વ્યાઘને ઘરે ગયા ત્યારે એ માંસ કાપતો હતો! આખા ઘરમાં વાસ આવતી હતી. સન્યાસીએ વિચાર્યું કે આવો ઘાતકી માણસ કેવી રીતે જ્ઞાન આપી શકે? વ્યાઘે સન્યાસીને કહ્યું કે તેને ખબર છે કે પેલી સ્ત્રીએ એમને અહીં મોકલ્યા છે. એણે સન્યાસીને થોડી રાહ જોવા કહ્યું. સન્યાસીને ખુબ જ નવાઈ લાગી કે આ વ્યાઘને આ વાતની કેવી રીતે ખબર છે?
વ્યાઘ સન્યાસીને એના ઘરમાં લઇ ગયો અને થોડી રાહ જોવા કહ્યું. એણે એના ઘરડા મા બાપને સ્નાન કરાવ્યું, ખાવા આપ્યું, દવા આપી અને એમને સુવા માટે પથારી કરી આપી. પછી એ સન્યાસી પાસે આવ્યો.
સન્યાસીએ વ્યાઘને આત્મા બાબતે અને અન્ય ઉચ્ચ કક્ષાના જ્ઞાન બાબતે પૂછ્યું. વ્યાઘે સન્યાસીને ઘણો જ સુંદર ઉપદેશ આપ્યો જે "વ્યાઘ ગીતા" તરીકે જાણીતો છે.
ભીમે યુધિષ્ઠિરને પાઠ ભણાવ્યો
મહાભારતની વાતો પરથી આપણી એવી માન્યતા છે કે યુધિષ્ઠિર ખુબ જ શાણા, બુદ્ધિશાળી અને કાયદાનું પાલન કરવા વાળા હતા. જયારે ભીમ લહેરી માણસ હતો. એક વાત એવી છે કે એક વાર યુધિષ્ઠિરે ભૂલ કરી હતી અને ભીમે એમને પાઠ ભણાવ્યો હતો!
યુધિષ્ઠિર ખુબ જ ઉદાર રાજા હતા. તેઓ દરરોજ રાજયના ગરીબ નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપતા. એક દિવસ એક ગરીબ માણસ એના કામ પરથી થોડો મોડો આવ્યો. યુધિષ્ઠિર એ દિવસનું દાન આપી ચુક્યા હતા એટલે એમણે એ ગરીબ માણસને બીજે દિવસે - આવતી કાલે આવવા કહ્યું.
એ ગરીબ માણસને એટલી બધી જરૂરિયાત હતી કે તે ઘરે પાછો જતાં રોતો હતો. ભીમે આ જોયું એટલે એણે એ માણસને પૂછ્યું કે શું થયું છે? જયારે ભીમે જાણ્યું કે એના મોટા ભાઈએ આ માણસને આવતી કાલે આવવા કહ્યું છે ત્યારે ભીમે યુધિષ્ઠિરને પાઠ ભણાવવા નક્કી કર્યું.
ભીમે એક સરઘસ કાઢ્યું અને એ ઢોલ વગાડવા લાગ્યો. લોકો એને પુછવા લાગ્યા કે શું બાબત છે ત્યારે એ બધાને કહેવા લાગ્યો કે એના મોટા ભાઈ યુધિષ્ઠિરે સમય પર કાબુ મેળવી લીધો છે! આથી એ એની ઉજવણી કરે છે. લોકોને સમજ ન પડી એટલે એમણે ભીમને વિગતવાર સમજાવવા કહ્યું. ભીમે કહ્યું કે મનુષ્યને હમણા બીજી જ ક્ષણે શું બનવાનું છે એની પણ ખબર નથી હોતી. આપણને એ પણ ખબર નથી કે આવતી કાલે આપણે આ દુનિયામાં હોઈશું કે નહિ! સમય પર આપણો કોઈ જ કાબુ નથી હોતો. પરંતુ મારા મોટા ભાઈ યુધિષ્ઠિરે સમય પર કાબુ મેળવી લીધો છે. એમને ખબર છે કે તેઓ આવતી કાલે જીવિત જ હશે. એટલે જ એમણે આ ગરીબ માણસને આવતી કાલે મળવા બોલાવ્યો છે.
યુધિષ્ઠિરે આ વાત જાણી ત્યારે એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એમણે તરત જ પેલા ગરીબ માણસને બોલાવીને એને જોઈતી ચીજ વસ્તુઓ આપી.
દ્રૌપદીનું અક્ષયપાત્ર
પાંડવોની પત્ની દ્રૌપદીને સૂર્ય ભગવાને એક અક્ષયપાત્ર આપ્યું હતું. પાંડવોને કૌરવો દ્વારા ૧૨ વર્ષનો દેશવટો મળ્યો હતો. આ દેશવટા દરમ્યાન પાંડવો આખા દેશમાં પરિભ્રમણ કરતા હતા. તેઓ જયાં પણ પડાવ કરતા હતા ત્યાં અનેક લોકો અને સાધુ સંતો એમને મળવા આવતા હતા. આટલા બધા લોકોને ભોજન કરાવવામાં મુશ્કેલી પડતી હોવાથી દ્રૌપદીએ સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી અને એમણે એને એક અક્ષયપાત્ર આપ્યું. દ્રૌપદી પોતે જયાં સુધી ભોજન ન લે ત્યાં સુધી આ અક્ષયપાત્ર આખો દિવસ ભોજન આપતું. પાંડવોની પટરાણી દ્રૌપદી ભોજન કરી લે એ પછી એ દિવસનું ભોજન અક્ષયપાત્ર નહોતું આપતું.
કૌરવોને પાંડવોની સતત ઈર્ષ્યા થયા કરતી અને તેઓ પાંડવોને હેરાન કરવાની એક પણ તક છોડતા નહોતા.
પાંડવોને હેરાન કરવાના ઈરાદાથી દુર્યોધને દુર્વાસા મુનિને એમની પાસે મોકલ્યા. એણે દુર્વાસાને કહ્યું કે તેઓ ગમે તેટલા લોકોને લઈને પાંડવો પાસે જશે તો પણ એમને ભોજન કરાવવામાં કોઈ તકલીફ નહીં પડે. પાંડવો પાસે એક અક્ષયપાત્ર છે જે એમને દ્વારે આવતા સાધુ સંતોને અખૂટ ભોજન પૂરું પાડે છે.
દુર્વાસા મુનિ મોટી સંખ્યામાં શિષ્યોને લઈને પાંડવો પાસે ગયા. એમણે કહ્યું કે તેઓ ભૂખ્યા છે તેથી બધા માટે ભોજન તૈયાર કરે. એમણે કહ્યું કે તેઓ પહેલાં નદીએ સ્નાન કરવા જશે અને પાછા ફરીને બધા શિષ્યો સાથે ભોજન લેશે.
દ્રૌપદીએ તો તે દિવસનું ભોજન લઈને અક્ષયપાત્ર સાફ કરી નાખ્યું હતું એટલે પાંડવો તો મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયા. જો ભોજન ન મળે તો તીવ્ર ક્રોધ માટે જાણીતા દુર્વાસા એમને શ્રાપ આપી દે. પાંડવો સમજી ગયા કે એમને હેરાન કરવા માટે દુર્યોધનનું જ આ અડપલું છે. હંમેશની જેમ દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણની અંત:કરણથી પ્રાર્થના કરી.
શ્રીકૃષ્ણ સાક્ષાત પ્રગટ થયા! શ્રીકૃષ્ણએ દ્રૌપદી પાસે કાંઇક ખાવાનું માંગ્યું. હવે કાંઈ જ ખાવાનું બચ્યું ન હોય ત્યારે એ શ્રીકૃષ્ણને શું આપે? શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે અક્ષયપાત્રમાં અનાજનો એકાદ દાણો પણ હોય તો જોઈ જુએ. દ્રૌપદીને અનાજનો એક દાણો મળ્યો તે એણે શ્રીકૃષ્ણને આપ્યો. ભગવાને એની પાસેથી એ દાણો લઈને ખાધો.
અહીં શ્રીકૃષ્ણએ અનાજનો દાણો ખાધો કે તરત જ નદીએ સ્નાન કરતા દુર્વાસાને પેટ ભરાઈ ગયું હોય એવી તૃપ્તિ થઇ ગઈ! એમને લાગ્યું કે એ ભોજનનો એક કોળિયો પણ નહીં ખાઈ શકે. આથી તેઓ દ્રૌપદી પાસે ભોજન લેવા ન ગયા.
શ્રીકૃષ્ણ બ્રહ્મચારી
એક દિવસ શ્રીકૃષ્ણએ એમની પત્ની રુકમિણીને જણાવ્યું કે દુર્વાસા મુનિ નદીના સામેના કિનારે આવ્યા છે. એમણે મુનિને પ્રસન્ન કરવા માટે ઉત્તમ પ્રકારનું ભોજન તૈયાર કરવા કહ્યું. રુકમિણી ભોજન તૈયાર કરીને નદીએ ગયાં પણ ત્યાં નદી પાર કરાવવા કોઈ નાવ કે નાવિક નહોતા.
રુકમિણીએ શ્રીકૃષ્ણની મદદ માંગી. શ્રીકૃષ્ણએ રુકમિણીને કહ્યું કે નદીને જઈને કહો, "નિત્ય બ્રહ્મચારી કૃષ્ણએ રસ્તો કરી આપવા કહ્યું છે". રુકમિણીને ખુબ જ નવાઈ લાગી કે શ્રીકૃષ્ણ તો પરણેલા છે અને કુટુંબ વાળા છે તો તેઓ નિત્ય બ્રહ્મચારી કેવી રીતે કહેવાય? છતાંય એમણે નદીને જઈને શ્રીકૃષ્ણએ કહ્યા મુજબ કહ્યું. નદીએ તરત જ રસ્તો કરી આપ્યો.
રુકમિણી દુર્વાસા મુનિ પાસે ગયાં અને એમને ભોજન કરાવ્યું. મુનિએ પ્રસન્ન થઈને એમને આશીર્વાદ આપ્યા. રુકમિણીએ પાછા ફરતી વખતે નદી પાર કરવા માટે દુર્વાસાની મદદ માંગી. દુર્વાસાએ એમને કહ્યું કે નદીને જઈને કહો, "નિત્ય ઉપવાસી દુર્વાસાએ રસ્તો કરી આપવા કહ્યું છે”. રુકમિણીને ખુબ જ નવાઈ લાગી કે હજી હમણાં જ મુનિએ આટલું ભોજન કર્યું છે છતાં પોતાને નિત્ય ઉપવાસી કેમ કહે છે?
એમણે મુનિને કાંઈ જ પૂછ્યું નહીં અને એમના કહ્યા મુજબ નદીને કહ્યું. નદીએ તરત જ રસ્તો કરી આપ્યો. રુકમિણીને ઘણી જ જીજ્ઞાસા થઇ. નદી પાર કરીને શ્રીકૃષ્ણ પાસે પહોંચીને રુકમિણીએ એમને પૂછ્યું, "તમે પોતે પરણેલા અને કુટુંબ વાળા છો છતાં પોતાને નિત્ય બ્રહ્મચારી કહો છો. દુર્વાસા મુનિ ભરપેટ ભોજન કર્યા પછી પોતાને નિત્ય ઉપવાસી કહે છે. નદીએ આ બંને વાત સ્વીકારીને મને રસ્તો પણ કરી આપ્યો. મને તો કાંઈ સમજાતું નથી".
શ્રીકૃષ્ણ હસી પડ્યા. એમણે રુકમિણીને કહ્યું, "અમે બંને આત્મજ્ઞાની છીએ. અમે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે જાણીએ છીએ કે એ કાર્ય તો શરીર કરે છે. આત્મા તો સદા અનાસક્ત છે - આત્મા કોઈ કાર્યથી બંધાતો નથી. કોઈ પણ કાર્ય કરતી વખતે દુર્વાસા અને હું સાવ જ અનાસક્ત હોઈએ છીએ. અમે મનથી ક્યારેય એ કાર્ય સાથે બંધાતા નથી. એટલે જ હું નિત્ય બ્રહ્મચારી છું અને દુર્વાસા નિત્ય ઉપવાસી છે".
શ્રીકૃષ્ણનો ક્રોધ ઉપર વિજય
શ્રીકૃષ્ણ એવા અનેક વિશિષ્ઠ લક્ષણો ધરાવતા હતા જેનાથી તેઓ સામાન્ય માણસ કરતાં જુદા તરી આવતા અને એટલે જ તેઓ ભગવાનના અવતાર ગણાય છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે અત્યંત વિષમ પરિસ્થિતિમાં ગુસ્સા પર કાબુ નથી કરી શકતા. સંતો માટે પણ આ ઘણું વિકટ છે. ભગવાન શ્રીકૃષ્ણએ ક્રોધ ઉપર વિજય મેળવી લીધો હતો.
એક દિવસ દુર્વાસા મુનિ શ્રીકૃષ્ણના મહેલમાં આવ્યા. દુર્વાસા એમના તીવ્ર ક્રોધ માટે જાણીતા છે. તેઓ એમની અપેક્ષાઓ પૂરી ન કરે તેને શ્રાપ આપી દેતા. શ્રીકૃષ્ણ અને એમની પત્ની રુકમિણીએ એમને પ્રસન્ન કરવા બનતું બધું જ કર્યું.
દુર્વાસા શ્રીકૃષ્ણનો ક્રોધ ઉપર કેવો કાબુ છે તેની કસોટી કરવા માંગતા હતા એટલે એમણે શ્રીકૃષ્ણનું અપમાન કરવા માંડ્યું. એમણે શ્રીકૃષ્ણને આખા શરીર પર દહીં લગાવવા કહ્યું. મહાભારત યુગના એક શક્તિશાળી નેતા સાથે આવું કરવાની કોઈ હિંમત કરી શકે? પરંતુ શ્રીકૃષ્ણ શાંત રહ્યા અને એમના આખા શરીર પર દહીં લગાવ્યું!
હવે દુર્વાસાએ શ્રીકૃષ્ણને કહ્યું કે મને રથમાં બેસાડો અને રુકમિણી પાસે રથ ખેંચાવો! શ્રીકૃષ્ણની પ્રાણ પ્રિય પત્ની રુકમિણી માટે તો આ ઘણું જ અસહ્ય હતું. છતાં શ્રીકૃષ્ણએ રુકમિણી પાસે અશ્વની માફક રથ ખેંચાવ્યો! દુર્વાસાએ જોયું કે તેઓ હજી સુધી શ્રીકૃષ્ણને ઉશ્કેરી શક્યા નથી એટલે એમણે રુકમિણીને ચાબુક ફટકારવા માંડી! આ તો ઘણું જ ઘાતકી હતું છતાં શ્રીકૃષ્ણ એક શબ્દ પણ ન બોલ્યા.
નાજુક રુકમિણીથી આ સહન ન થતાં તે દુર્વાસાના રથ સાથે જમીન પર ફસડાઈ પડ્યાં. દુર્વાસા એકદમ ગુસ્સે થઈને ચાલવા માંડ્યા. શ્રીકૃષ્ણ એમના તરફ દોડી ગયા અને એમના પગમાં પડી ગયા. શ્રીકૃષ્ણએ મુનિને આજીજી કરી કે અમે તમારી બરાબર સેવા નથી કરી શક્યાં તો અમને માફ કરી દો. આ જોઇને દુર્વાસાને ખાતરી થઇ ગઈ કે શ્રીકૃષ્ણએ ખરેખર ક્રોધ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે.
દુર્વાસાએ શ્રીકૃષ્ણને પકડીને ઉભા કર્યા અને કહ્યું, "કૃષ્ણ, તમે તો સ્વભાવથી જ ક્રોધને જીતી લીધો છે. મેં તમારી અને રુકમિણી સાથે જે કાંઈ કર્યું તે માટે હું દિલગીર છું. હું તો તમારી કસોટી કરતો હતો. હું તમને વરદાન આપું છું કે તમારા શરીરના જે જે ભાગ પર તમે દહીં લગાવ્યું છે તે વજ્રના થઇ જશે. કોઈ પણ શસ્ત્ર એને ઈજા નહીં કરી શકે".
શ્રીકૃષ્ણની જીવદયા
શ્રીકૃષ્ણ એવા અનેક વિશિષ્ઠ લક્ષણો ધરાવતા હતા જેનાથી તેઓ સામાન્ય માણસ કરતાં જુદા તરી આવતા અને એટલે જ તેઓ ભગવાનના અવતાર ગણાય છે. તેઓ મહાભારત યુગના યુગપુરુષ ગણાતા. એમના સંપર્કમાં આવતા દરેકની - મનુષ્ય કે કોઈ પણ જીવની તેઓ કાળજી લેતા.
કુરુક્ષેત્રના પ્રખ્યાત યુદ્ધમાં એમણે એક યોદ્ધા તરીકે ભાગ નહોતો લીધો. તેઓ અર્જુનના સારથી બન્યા હતા. દરરોજ ભીષણ યુદ્ધની સમાપ્તિ બાદ તેઓ ઘોડાઓની સાર સંભાળ લેતા. તેઓ સ્વયં એમના ઘા સાફ કરતા, એમને સ્નાન કરાવતા અને ખવડાવતા. તેઓ બીજા કોઈને પણ આ કાર્ય કરવા હુકમ કરી શક્યા હોત પરંતુ તેઓ સ્વયં પ્રાણીઓની કાળજી લેતા.
એક દિવસ એક ટીટોડીએ કુરુક્ષેત્રના રણમેદાન નજીક એનો માળો બનાવ્યો. માનવીઓ વચ્ચે ચાલતા આ ભીષણ યુદ્ધથી આ બિચારું નિર્દોષ પક્ષી તો સાવ જ અજાણ હતું. સૂર્યોદય બાદ તે દિવસના યુદ્ધનો આરંભ થતાં જ શ્રીકૃષ્ણએ આ જોયું. એમણે ટીટોડીના માળાનું રક્ષણ કરવા એક મોટો ઘંટ એના ઉપર મૂકી દીધો.
નિર્દોષ પક્ષી એનાં બચ્ચાંની ચિંતા કરતું કલ્પાંત કરતું હતું. પરંતુ તેઓ તો શ્રીકૃષ્ણએ મુકેલા ઘંટ નીચે સલામત હતા. યુદ્ધ સમાપ્ત થતાં શ્રીકૃષ્ણએ ઘંટ ઉપાડી લીધો અને ટીટોડીને એનો માળો સલામત મળી ગયો.
શ્રીકૃષ્ણ - સાક્ષાત ભગવાન!
શ્રીકૃષ્ણ એવા અનેક વિશિષ્ઠ લક્ષણો ધરાવતા હતા જેનાથી તેઓ સામાન્ય માણસ કરતાં જુદા તરી આવતા અને એટલે જ તેઓ ભગવાનના અવતાર ગણાય છે. પરંતુ તેઓ જાહેરમાં ભાગ્યે જ આવું કશું બોલ્યા હતા.
કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવોનો પરાજય થયો અને બધા જ કૌરવો માર્યા ગયા. ભીષ્મ, દ્રોણ, કર્ણ અને કૌરવ પક્ષે રહેલા બીજા અનેક મહાન યોધ્ધાઓ પણ માર્યા ગયા. પાંચ પાંડવો જીવિત રહ્યા હતા પણ એમના પુત્રો માર્યા ગયા હતા. અર્જુનનો પરાક્રમી પુત્ર અભિમન્યુ પણ મૃત્યુ પામ્યો હતો. આથી પાંડવોના વંશમાં કોઈ જ હયાત નહોતું રહ્યું. અભિમન્યુની પત્ની ઉત્તરા ત્યારે ગર્ભવતી હોવાથી એના ગર્ભમાં રહેલું બાળક જ પાંડવોના વંશની એક માત્ર આશા હતી.
ગુરુ દ્રોણના પુત્ર અશ્વસ્થામાએ ઉત્તરાના ગર્ભમાં રહેલ બાળકને મારી નાંખીને પાંડવોના વંશનો નાશ કરવાનો નિર્ધાર કર્યો. એણે સંહારક શસ્ત્ર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને ઉત્તરાના ગર્ભમાંના બાળકને મારી નાંખ્યો. ઉત્તરા ચોધાર આંસુએ રડતી હતી અને પાંડવો પણ ઘણા ગમગીન થઇ ગયા કારણકે એમનો એક માત્ર વારસ પણ ન રહ્યો.
આ સમયે ભગવાન શ્રીકૃષ્ણએ ઉત્તરાના ગર્ભમાંના બાળકને જીવિત કરવા એમની શક્તિનો ઉપયોગ કર્યો. એમણે દર્ભની એક સળી લઈને પ્રાર્થના કરી, "જો મેં હંમેશાં સત્યનું આચરણ જ કર્યું હોય અને ક્યારેય કોઈ પાપ ન કર્યું હોય તો ઉત્તરાના ગર્ભમાં રહેલ બાળક જીવિત થાય!"
અને આ સાથે જ ઉત્તરાના ગર્ભમાંનું બાળક જીવિત થઇ ગયું! અહીં શ્રીકૃષ્ણએ જાહેરમાં એમની શક્તિ અને વિશિષ્ઠ ગુણો પ્રગટ કર્યા. સામાન્ય રીતે આપણને એવું લાગે કે શ્રીકૃષ્ણએ તો યુદ્ધમાં પાંડવોના વિજય માટે અનેક યુક્તિઓ અજમાવી હતી તો તેઓ શી રીતે એવું કહી શકે કે એમણે હંમેશાં સત્યનું આચરણ જ કર્યું હતું અને ક્યારેય કોઈ પાપ નહોતું કર્યું? પરંતુ હકીકત એ છે કે ભગવાન શ્રીકૃષ્ણએ હંમેશાં સત્ય - ધર્મને જ સાથ આપ્યો હતો અને તેઓ માત્ર અધર્મ - અસત્યની જ વિરુદ્ધ હતા. આથી જ તેઓ વિશ્વાસપૂર્વક કહી શક્યા કે એમણે ક્યારેય કોઈ પાપ નથી કર્યું.
કુંતીએ કાંટાળી જીન્દગીનું વરદાન માંગ્યું
પાંડવોના માતા કુંતી એ ભગવાન શ્રીકૃષ્ણના ફોઈ થાય. તેઓ શ્રીકૃષ્ણના પિતા વાસુદેવના બહેન હતા. કુંતીએ એમની જીન્દગીમાં ભાગ્યે જ સુખના દિવસો જોયા હતા. એમણે ઘણી યુવાન વયમાં જ એમના પતિ પાંડુને ગુમાવ્યા હતા. એમના પુત્રો પાંડવો સાથે એમણે અનેક વર્ષો વનવાસમાં વિતાવ્યા હતા.
દેખીતી રીતે જ શ્રીકૃષ્ણને એમના ફોઈ કુંતી માટે ઘણું દુ:ખ થતું. કારણકે તેઓ એમના સ્વજનો માટે કાંઈ પણ કરવા સમર્થ હતા તેમ છતાં એમના જ ફોઈને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. એક દિવસ એમણે ફોઈ કુંતીને કોઈ વરદાન માંગવા કહ્યું.
કુંતીએ શ્રીકૃષ્ણને કહ્યું, "કેશવ, મને જો સુખની જીન્દગી મળી જશે તો કદાચ હું સતત તમારું સ્મરણ ન કરું. જો તમે મને વરદાન આપવા માંગતા હો તો કંટક ભરી જીન્દગી આપો જેથી મુશ્કેલીઓ વચ્ચે હું હર પળ તમારું જ સ્મરણ કરતી રહું".
છે સમય બળવાન નહીં મનુષ્ય બળવાન
ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી પાંડવોએ કુરુક્ષેત્રનું યુદ્ધ જીતી લીધું. અર્જુન આ યુદ્ધનો શૂરવીર હતો. એણે એના ગાંડીવ ધનુષ થકી અનેક શસ્ત્રોનો ઉપયોગ કર્યો. અર્જુન અને એનું ગાંડીવ ધનુષ અજેય ગણાતા.
પાંડવોએ વર્ષો સુધી હસ્તિનાપુરમાં રાજ કર્યું. જયારે શ્રીકૃષ્ણના કુટુંબીજનો યાદવો અંદરો અંદરની લડાઈમાં માર્યા ગયા ત્યારે શ્રીકૃષ્ણને ખ્યાલ આવી ગયો કે હવે એમનો અંતકાળ નજીક છે. તેઓ એ પણ જાણતા હતા કે એમની દ્વારિકા સમુદ્રમાં ડૂબી જશે. આથી એમણે અર્જુનને સંદેશો મોકલ્યો કે તે દ્વારિકા આવીને બાળકો, સ્ત્રીઓ અને વૃધ્ધોને એની સાથે હસ્તિનાપુર લઇ જાય.
અર્જુન દ્વારિકા આવીને બાળકો, સ્ત્રીઓ અને વૃધ્ધોને એની સાથે લઇ ગયો. તેઓ ગાઢ જંગલમાંથી પસાર થતા હતા (અત્યારના સમયનું મધ્ય પ્રદેશ). આભીર નામની આદિવાસી જાતી એ જંગલમાં રાજ કરતી હતી. એમણે અર્જુનને રોક્યો અને તેઓ દ્વારિકાના લોકોને લુંટવા લાગ્યા.અર્જુને તેમનો સામનો કર્યો. અર્જુન અને આભીરો વચ્ચે લડાઈ થઇ.
કુરુક્ષેત્ર યુધ્ધના પરાક્રમી અર્જુને એના ગાંડીવ ધનુષનો ઉપયોગ કર્યો પણ વ્યર્થ! એ આભીરોને હરાવી ન શક્યો! દ્વારિકાના લોકો અર્જુનની નજર સામે જ લુંટાયા છતાં અર્જુન કાંઈ ન કરી શક્યો! કેટલીક સ્ત્રીઓ અને બાળકો તો આભીરો સાથે રહેવા જતા રહ્યા. અર્જુન શ્રીકૃષ્ણને આપેલું વચન પાળી ન શક્યો અને એમના કુટુંબીઓને સહી સલામત હસ્તિનાપુર ન લઇ જઈ શક્યો.
ભીમ બકાસુરની લડાઈ
પાંડવોએ કૌરવોથી છુપાઈને ૧૨ વર્ષ સુધી જંગલમાં રહેવું પડ્યું હતું. એક વખત તેઓ વેશપલટો કરીને બ્રાહ્મણનો વેશ લઈને એકચક્ર નામના નગરમાં ગયા. ત્યાં એમણે એક બ્રાહ્મણના ઘરમાં આશરો લીધો. તેઓ દિવસ દરમ્યાન શાસ્ત્રનો અભ્યાસ કરતા અને સુર્યાસ્ત બાદ ભિક્ષા માટે જતા જેથી કોઈ એમને ઓળખી ન લે.
એક દિવસ પાંડવોના માતા કુંતીએ જોયું કે એમના યજમાનનું કુટુંબ બહુ જ દુ:ખી હતું. તેઓ રડતા પણ હતા. કુંતીએ એમને પૂછ્યું કે તેઓ શાથી આટલા પરેશાન છે? યજમાને કહ્યું, "જંગલમાં બકાસુર નામનો એક રાક્ષસ રહે છે. એને દરરોજ એક માણસ, બે પાડા અને ઘણું બધું ખાવાનું જોઈએ છે. એકચક્રના દરેક કુટુંબે વારાફરતી એક માણસને બકાસુરને ખાવા મોકલવો પડે છે. આવતીકાલે અમારો વારો છે. જો અમે અમારા એકમાત્ર દીકરાને મોકલીશું તો અમે તેને ગુમાવી દઈશું". આમ કહીને બ્રાહ્મણ અને એની પત્ની ચોધાર આંસુએ રડવા લાગ્યા.
કુંતીએ એમને કહ્યું, "કોઈ ચિંતા ન કરો. તમારા દીકરાને બદલે મારો પુત્ર જશે". યજમાને કહ્યું કે અતિથીને બકાસુર પાસે જીવતા ખાઈ જવા મોકલવા એ તો બહુ મોટું પાપ થાય. પરંતુ કુંતીએ એમને કહ્યું કે કશું નહીં થાય કારણકે એનો પુત્ર તો ઘણો જ બળવાન છે. ભીમે જયારે આ જાણ્યું ત્યારે એ તો ખુશીથી ઝુમી ઉઠ્યો કારણકે કેટલાય સમયથી એણે કોઈ રાક્ષસ સાથે લડાઈ નહોતી કરી. ઉપરાંત એ વાત જાણીને તે અત્યંત ખુશ થઇ ગયો કે એને ખુબ જ ખાવાનું પણ મળવાનું છે!
બીજે દિવસે ભીમ એક ગાડું ભરીને ખાવાનું લઈને જંગલમાં ગયો. તે ઘણો ભૂખ્યો થયો હતો એટલે એણે ખાવાનું શરુ કરી દીધું. જાત જાતની અને ભાત ભાતની વાનગીઓ હતી એટલે ભીમ તો બે હાથથી ખાવા લાગ્યો! એણે લાડુ, મીઠાઈઓ, રોટલી, શાક, કઢી, ભાત વિ. ખાધું. ઘર છોડ્યા પછી ઘણા સમય બાદ આટલું ખાવાનું મળતું હતું એટલે એ તો બધી જ વાનગીઓ લિજજતથી ખાતો હતો.
બકાસુર ઉંઘતો હતો પણ ખોરાકની સુગંધથી જાગી ગયો. એણે જોયું કે એક માણસ આનંદથી બધું ખાવાનું ખાય છે. આથી તે એકદમ ગુસ્સે થઇ ગયો. એણે રાડ પાડી કહ્યું, "એ માણસ! કોણ છે તું? હું તને ખાઈ જાઉં એ પહેલાં તું મારું ખાવાનું ખાઈ જાય છે?" ભીમે તો એની સામે જોયું પણ નહીં અને ખાવાનું ચાલુ જ રાખ્યું. આથી બકાસુર વધારે ગુસ્સે થઈને ભીમ તરફ ધસ્યો. ભીમે ગરમ કઢીની બાલદી બકાસુર પર ફેંકી. તે દાઝી ગયો પણ તેના શરીર પરથી કઢી ચાટવા લાગ્યો. ભીમ લાડુ મારવા લાગ્યો. બકાસુર લાડુ ભેગા કરીને ખાવા લાગ્યો. ભીમે બકાસુરના માથા પર શાક અને ભાત ફેંક્યા. બકાસુર એના લાંબા વાળમાંથી શાક-ભાત કાઢીને ખાવા લાગ્યો. ભીમને, બકાસુરને ચીડવવાની મજા આવતી હતી.
હવે ભીમે ધરાઈને ખાઈ લીધું હતું એટલે એણે ગંભીરતાથી લડવાનું નક્કી કર્યું. એણે બળપૂર્વક બકાસુરને એક મુક્કો માર્યો. બકાસુર દુર સુધી ફંગોળાઈને એક ઝાડ પર પડ્યો. એ ઝાડ ઉખેડીને ભીમ તરફ દોડ્યો. પરંતુ ભીમે ફક્ત એક હાથથી જ એને રોકી લીધો અને જોરથી લાત મારી. પછી ભીમે ઝાડ ઉખેડીને એને જોરથી ફટકાર્યું. આમ બંને વચ્ચે જોરદાર લડાઈ જામી. બકાસુરે ક્યારેય આવા બળવાન માણસ સાથે લડાઈ નહોતી કરી એટલે એ તો સાવ ઢીલો પડી ગયો પરંતુ ભીમ તો જરાય થાક્યો નહોતો. છેવટે ભીમે આ લડાઈ પૂરી કરવા નક્કી કર્યું. ભીમે ઢીંગલાની જેમ બકાસુરને હવામાં ઉંચે ફંગોળ્યો. બકાસુર જમીન પર પડ્યો ત્યારે એના શરીરના બધા જ હાડકાં ભાંગીને ભુક્કો થઇ ગયા હતા. ભીમે જોરથી ગર્જના કરી. આ સાથે જ બીજા બધા રાક્ષસો જંગલ છોડીને ભાગી ગયા.
હવે એકચક્ર નગર બકાસુરના ત્રાસમાંથી મુક્ત થયું. લોકોએ એમને મળેલી મુક્તિની ઉજવણી કરી અને ભીમ એમનો માનીતો બની ગયો. લોકો પાંડવોને પોતાના ઘરે ભોજન લેવા આમંત્રણ આપવા લાગ્યા. પાંડવો તો કૌરવોથી છુપાઈને વનવાસ ભોગવી રહ્યા હતા એટલે હવે એમના માટે ત્યાં રહેવું સલામત નહોતું કારણકે કૌરવોને શક જાય કે આટલા બહાદુર બ્રાહ્મણો કદાચ પાંડવો જ હોઈ શકે. આથી તેઓ લોકોની રજા લઈને પાછા પરિભ્રમણ કરવા લાગ્યા.
હનુમાનજીએ ભીમનો અહંકાર દુર કર્યો
આપણા પુરાણા ગ્રંથોમાં જણાવ્યા મુજબ હનુમાનજી વાયુપુત્ર હતા.ભીમ પણ વાયુપુત્ર હતો. આથી હનુમાનજી એ ભીમના મોટા ભાઈ થયા.
અમુક સમય માટે ભીમને એના પ્રચંડ બળનું અભિમાન થવા લાગ્યું. હનુમાનજીએ એમના નાના ભાઈ ભીમને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. હનુમાનજી એક ઘરડા વાનરનું રૂપ લઈને ભીમ પસાર થતો હતો એ માર્ગ પર બેસી ગયા. ભીમે આ ઘરડા વાનરને એના માર્ગ વચ્ચે બેઠેલો જોયો એટલે એણે બુમો પાડીને એને હટી જવા કહ્યું.
ઘરડા વાનરે તસ્દી સુધ્ધાં ન લીધી એટલે ભીમ ગુસ્સે થઇ ગયો. એણે વાનરને ધમકી આપી કે તે હટી જાય નહીંતર એ લાત મારશે. ઘરડા વાનરે એને હટાવી જોવા ભીમને પડકાર ફેંક્યો. ભીમ વાનરને પૂંછડી પકડીને ફંગોળી દેવા એના તરફ ધસ્યો. પરંતુ...એ તેની પૂંછડી ઉંચી પણ ન કરી શક્યો! ભીમને આઘાત સાથે આશ્ચર્ય થયું પણ એણે વાનરની પૂંછડી ઉંચી કરવા એની પૂરી તાકાત લગાવી દીધી. તે તસુભાર પણ ઉંચી ન કરી શક્યો!
હવે ભીમને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સાધારણ વાનર નથી. તો પછી આ જગતમાં એના પોતાના કરતાં વધારે શક્તિશાળી કોણ હોઈ શકે? ભીમ તરત જ ઓળખી ગયો કે આ બીજું કોઈ નહીં પણ એના મોટા ભાઈ હનુમાનજી જ હોય. એણે પોતાના મોટા ભાઈનું અપમાન કર્યું હતું એટલે એને શરમ આવી ગઈ. એણે હનુમાનજીને વિનંતી કરી કે પોતાને માફ કરી દે.
અભિમન્યુનો મૃત્યુ બાદ પોપટ તરીકે જન્મ થયો
કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનનો વીર પુત્ર અભિમન્યુ શક્તિશાળી યોદ્ધાઓ સામે એકલો લડ્યો અને એક પરાક્રમી યોદ્ધાની વીરગતિ પામ્યો. અર્જુન માટે તો આ કઠોર ઘા હતો. અર્જુન ચોધાર આંસુએ રડતો હતો.
ભગવાન શ્રીકૃષ્ણએ એને ઉપદેશ આપ્યો પણ વ્યર્થ. અર્જુન એ સ્વીકારવા જ તૈયાર નહોતો કે એનો પુત્ર હવે હયાત નથી. આથી શ્રીકૃષ્ણએ એને કહ્યું કે અભિમન્યુ હજી એની નજીકમાં જ છે. એનો આત્મા એક પોપટના શરીરમાં પ્રવેશ્યો છે. આ જાણીને અર્જુન પોપટ તરફ દોડ્યો.
અર્જુન જોરથી રડતાં રડતાં બોલ્યો, "મારા પુત્ર! મારા પુત્ર!"
પોપટ બોલ્યો, "કોણ પુત્ર અને કોણ બાપ? આગલા જન્મમાં હું તારો બાપ હતો અને તું મારો પુત્ર હતો. છેલ્લા જન્મમાં તું મારો બાપ હતો અને હું તારો પુત્ર હતો".
લોમાસા બિલાડો અને પલિત ઉંદર
પલિત નામનો એક ઉંદર એક વિશાળ વડમાં દર બાંધીને રહેતો હતો. વડની એક ડાળ પર લોમાસા નામનો એક બિલાડો પણ રહેતો હતો. એ ઝાડ ઉપર આવતા પક્ષીઓ ખાઈને જીવતો હતો.
નજીકમાં એક શિકારી પણ રહેતો હતો. તે રોજ સાંજે શિકારને ફસાવવા જાળ બિછાવી દેતો. રાતે અનેક પ્રાણીઓ જાળમાં ફસાતાં અને શિકારી સવારે આવીને એમને પકડી લેતો.
એક રાતે લોમાસા અજાણતાં જ જાળમાં ફસાઈ ગયો. ઉંદર પલિત એના દરમાંથી બહાર આવીને શિકારીએ મુકેલો માંસનો ટુકડો ખાવા લાગ્યો. એણે લોમાસાને જાળમાં ફસાયેલો જોયો. અચાનક જ એની નજર સામે બે આફતો દેખાઈ. ઉંદરની ગંધથી ત્યાં આવી ચઢેલો હરિત નામનો નોળિયો અને ઝાડની એક ડાળીએ બેઠેલું તીક્ષ્ણ ચાંચ વાળું ઘુવડ ચંદ્રક.
પલિતને ખ્યાલ આવી ગયો કે એ જો જાળમાંથી બહાર નીકળી જશે તો નોળિયો એનો શિકાર કરી નાંખશે અને એ જો જાળમાં જ રહેશે તો ઘુવડ એને ઝડપી લેશે. પલિતે એવું વિચાર્યું કે શક્તિશાળી દુશ્મનથી બચવાનો સારો ઉપાય એ જ છે કે બીજા દુશ્મનનું જ શરણ લઇ લેવું. આથી એણે લોમાસા પાસે રક્ષણ માંગવા નક્કી કર્યું.
પલિતે કહ્યું, "ઓ લોમાસા, તું જીવે છે? હું તારી સાથે શાંતિની મૈત્રી કરવા માંગું છું. નોળિયો અને ઘુવડ મારો કોળીયો કરી જવા તત્પર છે. જો તું મને ન મારવાની ખાતરી આપે તો હું તને બચાવીશ. મારી મદદ વિના તું જાળમાંથી છટકી નહીં શકે. નદી પાર કરવા જે લાકડું માણસને ટેકો આપે છે તે પણ માણસની મદદથી નદી પાર કરી લે છે. ચાલ, આપણે એક બીજાને મદદ કરીને આ મુશ્કેલ સ્થિતિમાંથી બહાર નીકળીએ. બોલ, તું શું કહે છે?"
લોમાસાએ ખાતરી આપી એટલે પલિત એની સોડમાં લપાઈ ગયો. શિકાર ઝડપવાની કોઈ જ શક્યતા ન જણાતાં નોળિયો અને ઘુવડ ત્યાંથી જતા રહ્યા. ઉંદર એકદમ ધીમે ધીમે જાળના દોરડા કાપવા લાગ્યો. લોમાસા એકદમ અધીરો થઇ બોલ્યો. "તું ભયમુક્ત થઇ ગયો એટલે તારું વચન ભૂલી ગયો? શિકારી ગમે તે ઘડીએ અહીં આવી જશે માટે તારા કામની ઝડપ વધાર".
પલિતે ઉત્તર આપ્યો,"હું મારા કામમાં ઉતાવળ નથી કરવા માંગતો પરંતુ હું તને યોગ્ય સમયે છોડાવી દઈશ. અયોગ્ય સમયે કરેલું કાર્ય નિષ્ફળ જ જાય છે. હું તને અત્યારે છોડાવી દઉં તો તું મને ખાઈ જ જાય. જયારે શિકારી આવતો દેખાશે ત્યારે હું તને છોડાવી દઈશ. તે વખતે તારું ધ્યાન શિકારીથી ભાગી છૂટવામાં હશે એટલે મને ખાઈ જવામાં તને કોઈ રસ નહીં હોય. તે વખતે હું પણ મારી જાતને બચાવીને ભાગી જઈશ".
લોમાસા નિરાશ થઇ બોલ્યો, “પ્રમાણિક હોય એ મિત્રોનું ઋણ આવી રીતે ન ચૂકવે. મહેરબાની કરીને ઝડપ વધાર”. ઉંદર બોલ્યો, “લોમાસા, સાંભળ. જે દોસ્તીમાં ભય હોય અને જે ભય વિના ટકી ન શકે એવી દોસ્તીમાં ખુબ જ કાળજી રાખવી જોઈએ. જેવી રીતે મદારી સાપના ફૂંફાડાથી એનો હાથ સંભાળે એવી રીતે આવી દોસ્તી સંભળાવી જોઈએ. છતાં ખાતરી રાખ કે હું આપણને બંનેને સહાય થાય એ સમયે તારી જાળનું છેલ્લું દોરડું કાપી આપીશ”.
પલિત અને લોમાસા આમ વાતો કરતા હતા ત્યાં રાત પૂરી થઇ. શિકારી દુરથી આવતો દેખાયો. ઉંદરે ઝડપથી બાકીનું દોરડો કાપી નાંખ્યું. ગાળિયો છૂટ્યો કે તરત જ લોમાસા દોડીને ઝાડ પર ચઢી ગયો. પલિત પણ દોડીને એના દરમાં ભરાઈ ગયો. આ બધું જોઈ હતાશ થયેલો શિકારી તાત્કાલિક એ જગ્યા છોડી જતો રહ્યો.
લોમાસાએ ઝાડની ડાળી પરથી દરમાં રહેલા પલિતને સંબોધી કહ્યું, “તું મારી સાથે કોઈ વાતચીત કર્યા વિના જ દોડી ગયો. હું આશા રાખું કે તને મારી દાનત પર કોઈ શંકા નહીં હોય કારણકે હું ખરેખર તારો ખુબ જ આભારી છું. આ સમયે આપણે આપણી દોસ્તીની મીઠાશ માણવી જોઈએ”.
પલિતે લોમાસાએ આપેલો દોસ્તીનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો અને એ માટેના કારણો કહ્યા.
આ દુનિયામાં દોસ્તી કે દુશ્મની જેવું કાંઈ નથી હોતું. સંજોગો જ મિત્ર કે દુશ્મન બનાવે છે. સ્વાર્થ અને લાલચથી જ દોસ્તી કે દુશ્મની ઉદભવે છે. સમયાંતરે દોસ્તી દુશ્મનીમાં પરિણમી શકે છે તો દુશ્મન ક્યારેક દોસ્ત પણ બની શકે છે. આ કારણોથી મિત્રો અને દુશ્મનોને નજીકથી ઓળખીને સમજવા જોઈએ.
દરેક જણ એક કે બીજી રીતે કાંઇક મેળવવાની ઈચ્છા જ રાખતા હોય છે. કોઈ કારણ વગર બીજા સાથે સારા સંબંધ નથી રાખતું. કોઈ એક જણ એની સત્તાને લીધે મિત્ર બને છે. બીજો કોઈ એના મીઠા શબ્દોથી મિત્ર બને છે. ત્રીજો કોઈ એની ધાર્મિક માન્યતાઓથી મિત્ર બને છે.
મને તારો ખોરાક બનાવવા સિવાય તને મારો કોઈ ઉપયોગ નથી. હું તારો ખોરાક છું. તું ભક્ષક છો. હું નબળો છું અને તું બળવાન છો. જયારે આપણે સમાન ન હોઈએ ત્યારે આપણી વચ્ચે દોસ્તી ન થઇ શકે. અરે, હું તને દુરથી આવતો જોઉં છું તો પણ ચેતી જતો હોઉં છું.
બુદ્ધિશાળીઓ એવો મત ધરાવે છે કે સત્તા અને તાકાત ધરાવનારની નજીકમાં રહેઠાણ ન રાખવું જોઈએ.
જે કોઈ મિત્ર પર આંધળો વિશ્વાસ રાખે છે કે દુશ્મનનો હંમેશા અવિશ્વાસ કરે છે તે પોતાને મુશ્કેલીમાં મુકે છે.
No comments:
Post a Comment