એક ગામમાં એક વેપારીની કરિયાણાની નાની દુકાન હતી. આ વેપારી આખો દિવસ દુકાનમાં બેસી ચીજ વસ્તુ વેંચે. વેપારનો હિસાબ એક ચોપડામાં લખે.
આ વેપારીનો દીકરો નાનો હતો ત્યારે દુકાને આવીને રમે. દુકાનની સામે ઝાડ પર કાગડો બેસીને કા..કા કર્યા કરતો. નાનો બાળક એના બાપને કહ્યા કરે:
"બાપા જુઓ આ કાગડો.."
વેપારી ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતા જાય:
"હા બેટા કાગડો..".
આવું વારંવાર થાય એમાં વેપારી ભૂલથી ચોપડામાં લખી નાખે:
"બાપા જુઓ આ કાગડો..હા બેટા કાગડો"
વર્ષો પછી વેપારી ઘરડો થઇ ગયો અને એનો દીકરો યુવાન થઇ ગયો એટલે દીકરાએ દુકાન સંભાળી લીધી. ઘરડો બાપ કોઈ કોઈ વાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે. દીકરાને કામમાં ખલેલ પડે એટલે એ બાપને ધમકાવે અને મુંગા બેસી રહેવા કહે. ઘણી વાર તો બાપનું અપમાન પણ કરી લે. એક વાર ઘરડા વેપારીએ દુઃખી થઈને દીકરાને કાંઇક સમજાવવા વિચાર્યું. એણે વર્ષો જુના હિસાબના ચોપડાઓ દીકરા પાસે મૂકી દીધા.
દીકરાએ આ ચોપડાઓ જોયા તો એમાં વાંચ્યું:
"બાપા જુઓ આ કાગડો..હા બેટા કાગડો".
દીકરાને એના બાળપણની વાત યાદ આવી ગઈ કે પોતે સતત રમત કર્યા કરતો અને આવું બોલ્યા કરતો ત્યારે એના બાપ જરાયે અકળાયા વગર એને જવાબ આપ્યા કરતા એમાં જ એમનાથી ભૂલમાં આવું લખાઈ ગયું હતું. દીકરાને ખુબ જ પસ્તાવો થયો કે એના બાપે જરાયે અકળાયા વગર એને આવા લાડ લડાવ્યા હતા જયારે પોતે તો ઘરડા થઇ ગયેલા બાપનું અપમાન કરે છે અને એમને વાત જ નથી કરવા દેતો. ત્યાર પછી દીકરો બાપનું ક્યારેય અપમાન ન કરતો અને એમની સાથે વાતો કરીને એમને આનંદમાં રાખતો.
ચતુર માજી
એક ગામમાં એક ઘરડા માજી એકલાં રહેતાં હતાં. એમને સંતાનમાં એક માત્ર દીકરી હતી જે પરણેલી હતી અને પાસેના ગામમાં રહેતી હતી. એક દિવસ માજીએ એની દીકરીને મળવા જવાનું નક્કી કર્યું.
એ ગામમાં જવા માટે એક જંગલમાંથી પસાર થવું પડતું હતું. માજી જંગલમાંથી જઈ રહ્યાં હતાં ત્યારે એક સિંહ આવ્યો અને માજી ને કહેવા લાગ્યો કે એ ઘણો જ ભૂખ્યો છે એટલે તેને ખાઈ જશે. માજી ઘણા ચતુર હતા. તેમણે સિંહને મૂરખ બનાવવાનો રસ્તો વિચાર્યો. માજીએ સિંહને કહ્યું:
"હું તો ઘણી ઘરડી છું. ઘણી દૂબળી-પાતળી છું. તું મને ખાઇશ તો તને શું મળશે? પહેલાં મને મારી દીકરીને ઘરે જવાદે. સારું સારું ખાવા દે. તાજી - તંદુરસ્ત થવા દે. પછી મને ખાજે".
સિંહે વિચાર્યું કે માજીની વાત સાચી છે. આવા દૂબળા-પાતળા માજીને અત્યારે ખાશે તો એને કશું નહિ મળે. માત્ર હાડકાં જ ખાવા મળશે. એના બદલે માજી દીકરીને ઘરે જઈ આવે પછી ખાય તો એને થોડાં લોહી-માંસ પણ મળશે. આમ વિચારીને સિંહે માજીને જવા દીધા.
રસ્તામાં માજીને વાઘ અને રીંછ પણ મળ્યા. એમણે આ જ યુક્તિ વાપરીને બંનેને મૂરખ બનાવ્યા.
દીકરીને ઘરે થોડા દિવસ રહ્યા પછી માજીએ પોતાના ઘરે પાછા ફરવાનું વિચાર્યું. માજી જાણતાં હતાં કે એમને સિંહ, વાઘ અને રીંછ મળશે અને મારી નાખશે. એમણે એક યુક્તિ વાપરીને મોટી ગોળ કોઠી બનાવી. માજી કોઠીમાં બેસી ગયા અને કોઠીને અંદરથી ગબડાવતા ગબડાવતા જવા લાગ્યા.
જંગલમાં સિંહે આ ગબડતી કોઠી જોઈ. સિંહે કોઠીને પુછ્યું:
"તેં પેલા માજીને જોયા છે જે એની દીકરીને ગામ ગયા છે?".
ચતુર માજીએ અવાજ બદલીને કોઠીની અંદરથી જવાબ આપ્યો:
"કઈ માજી? કયું ગામ? ચાલ કોઠી આપણે ગામ...".
આમ કહીને એમણે કોઠીને અંદરથી ધક્કો મારીને ગબડાવવા માંડી. સિંહ આવી પોતાની મેળે જ ગબડતી કોઠી જોઇને ગભરાઈ ગયો અને રસ્તામાંથી ખસી ગયો. આવી જ રીતે વાઘ અને રીંછ પણ ગભરાઈને ભાગી ગયા.
ચતુર વેપારીઓ
એક ગામમાં કેટલાક વેપારીઓ રહેતા હતા. એમને માલ વેંચવા જુદા જુદા સ્થળે જવું પડતું. એક વખત તેઓ માલ વેંચવા જતા હતા ત્યારે ઘણું મોડું થઇ ગયું. એમને રાતના અંધારામાં જંગલમાંથી પસાર થવું પડ્યું. કેટલાક લૂંટારાઓએ એમનો માલ લૂંટી લીધો.
વેપારીઓ બહાદુર અને ચતુર હતા. એમણે એક યુક્તિ કરી. એમણે લૂંટારાઓને કહ્યુંકે તેઓ ઘણા સારા કલાકાર છે. તેઓ એક સરસ નાટક કરીને એમનું મનોરંજન કરશે. લૂંટારાઓ નાટક જોવા બેસી ગયા.
વેપારીઓએ નાટક શરુ કર્યું. સૌપ્રથમ એમણે ભરવાડનો વેશ લીધો અને ગાવા લાગ્યા:
"વેપારી કલાકાર આવે છે. ભરવાડનો વેશ લાવે છે".
એમણે ભરવાડનો અભિનય કરીને લૂંટારાઓનું મનોરંજન કર્યું. પછી એમણે સુથાર, મોચી, લુહાર વિ. ના અભિનય કરીને લૂંટારાઓનું મનોરંજન કર્યું.
લૂંટારાઓ મોજમાં આવી વેપારીઓ સાથે નાચવા-ગાવા લાગ્યા. પછી વેપારીઓએ ચોર-પોલીસનું નાટક શરુ કર્યું. કેટલાક વેપારીઓ ચોર-લુંટારા બન્યા અને કેટલાક પોલીસ બન્યા. આ નાટકમાં એમણે બતાવ્યું કે પોલીસ આવીને લૂંટારાઓને પકડી જાય છે. વેપારી કલાકારો ગાવા લાગ્યા:
"વેપારી કલાકાર આવે છે. ચોરનો વેશ લાવે છે. જલ્દી દોડો ભાઈ જલ્દી દોડો, જઈ પોલીસને જાણ કરો".
કેટલાક વેપારીઓ શહેરમાં ગયા અને અસલી પોલીસને લૂંટારાઓ વિષે જાણ કરી. અસલી પોલીસ વેપારીઓની સાથે જયાં નાટક થતું હતું એ જગ્યાએ આવ્યા .
હવે વેપારી કલાકારો ગાવા લાગ્યા:
"વેપારી કલાકાર આવે છે. પોલીસનો વેશ લાવે છે".
જે વેપારીઓએ પોલીસનો વેશ લીધો હતો તેઓ આવ્યા. લૂંટારાઓ સમજ્યા કે આ તો નાટકનો જ એક ભાગ છે એટલે તેઓ કલાકારો સાથે નાચવા લાગ્યા. ત્યારે જ અસલી પોલીસ આવ્યા અને લૂંટારાઓને પકડી લીધા. હજી પણ લૂંટારાઓ એમ જ માનતા હતા કે આ તો નાટકનો જ એક ભાગ છે! પોલીસ લૂંટારાઓને જેલમાં લઇ ગયા અને વેપારીઓને એમનો માલ પાછો મળી ગયો.
ટાઢું ટબુકડું
એક ગામમાં એક માજી એકલાં રહેતાં હતાં. ગામ જંગલની નજીક હતું. જંગલમાં સિંહ, વાઘ જેવા જંગલી પ્રાણીઓ રહેતા હતા.
એક દિવસ ત્યાં ભારે વરસાદ પડ્યો. નદીમાં પૂર આવી ગયું. પૂરનું પાણી જંગલમાં આવી ગયું એટલે કેટલાક જંગલી પ્રાણીઓ ગામમાં દોડી આવ્યા. એક વાઘ માજીના ઘર પાસે આવી ગયો. વાઘ ભૂખ્યો હતો એટલે માજીને બીક લાગીકે તે એમને મારશે તો? માજી ગાવા લાગ્યાં:
"હું તો સિંહડાથી ન બીવું, વાઘડાથી ન બીવું, પણ ટાઢા ટબુકડાથી બીવું".
આ સાંભળીને વાઘ અચંબામાં પડી ગયો. આ કેવું કે માજીને કોઈ જંગલી પ્રાણીની બીક નથી લાગતી પણ એક ટાઢા ટબુકડાની બીક લાગે છે? એણે ટાઢા ટબુકડાને મળવાનું નક્કી કર્યું અને એ માજીના ઘરે ગયો. વાઘ માજીના ઘરની બહાર ઊભો રહ્યો.
માજીના ઘરનું છાપરું નળિયાનું બનેલું હતું. વરસાદનું પાણી નળિયા પરથી ટપકતું હતું. વરસાદ રહી ગયો હતો એટલે પાણી ટીપે ટીપે ટપકતું હતું. ઠંડીને લીધે ટીપું ખુબ જ ઠંડુ અને ધ્રુજાવી દે એવું હતું. માજી આ ઠંડા ટીપાંને ટાઢું ટબુકડું કહેતાં હતાં. વાઘ પર ટીપું પડ્યું ત્યારે એ ઠંડીથી ધ્રુજી ગયો. ઠંડુ પાણી ટીપે ટીપે પડતું હતું એટલે વાઘ એના ઠંડા, ધ્રુજાવી દે એવા મારથી ગભરાઈ ગયો. વાઘ માજીના ઘર પાસેથી ભાગી ગયો.
આળસુ કબૂતર
એક ખેતર હતું. ખેતર પાસેના ઝાડ પર એક ચકલી અને એક કબૂતર રહેતાં હતાં. ચોમાસું સારું રહ્યું હોવાથી ખેતરમાં ખુબ જ સારો પાક થયો હતો. ખેતર દાણા વાળા ડૂંડાઓથી લચી રહ્યું હતું. ચકલી રોજ વહેલી સવારે ખેતરમાં દાણા ચણવા જતી હતી.
લણણી (પાકની કાપણી)નો સમય નજીક આવ્યો એટલે ચકલીએ શિયાળાની ઋતુ માટે દાણા ભેગા કરી સાચવી રાખવા વિચાર્યું. તેણે કબૂતરને પણ એમ કરવા કહ્યું. કબૂતર આળસુ હતું એટલે એણે ધ્યાન ન આપ્યું. રોજ સવારે ચકલી કબૂતરને એની સાથે આવવા કહેતી હતી. કબૂતર એને કહેતું:
"ઠાગા ઠૈયા કરું છું..ચાંચુડી ઘડાવું છું...જાવ રે ચકલીબેન આવું છું.."
ચકલી દાણા એકઠા કરતી હતી. તેણે કબૂતરને કહ્યું કે હવે ગમે ત્યારે ખેડૂત પાકની કાપણી કરી લેશે. પણ આળસુ કબૂતર મોડું કર્યે રાખતું અને કહ્યા કરતું:
"ઠાગા ઠૈયા કરું છું..ચાંચુડી ઘડાવું છું...જાવ રે ચકલીબેન આવું છું.."
રાજાને સપનાએ બચાવ્યો!!
એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો. કેટલાક દુશ્મનોએ રાજાને મારવાનું કાવતરું કર્યું. રાજા સુતા હતા ત્યાં છરો લઇ પહોંચી ગયા અને રાજાના કમરાની બહાર સંકોચાઈને-સંતાઈને બેસી ગયા.
બરાબર ત્યારે જ રાજાને સપનું આવ્યું. એણે સપનામાં એક બતક જોયું. બતક શરીર સંકોચીને પાણીમાં બેઠું હતું. રાજા ઊંઘમાં જ બોલ્યો:
"કુક્કડ મુક્કડ બેઠા છે".
ખૂનીઓ ચમકી ગયા કે રાજા જાણી ગયો છે કે તેઓ બહાર બેઠા છે?
ખૂનીઓ સાવચેતીથી કમરામાં જવા જમીન ખોદવા લાગ્યા. બરાબર ત્યારે જ રાજાએ સપનામાં કૂતરું જોયું જે જમીન ખોદતું હતું. રાજા ઊંઘમાં જ બોલ્યો:
"ખદબદ ખદબદ ખોદે છે".
ખૂનીઓ સમજ્યા કે રાજા તેમને જોઈ ગયો લાગે છે. ખૂનીઓ ગભરાઈ ગયા અને ભાગ્યા. બરાબર ત્યારે જ રાજાએ સપનામાં ઘોડો જોયો જે દોડતો હતો. રાજા ઊંઘમાં જ બોલ્યો:
"ધડબડ ધડબડ દોડે છે".
હવે તો ખૂનીઓને લાગ્યુંકે રાજા એમને જોઈ જ ગયો છે એટલે એમને પકડીને ફાંસી જ આપી દેશે. ખૂનીઓ રાજ્ય છોડીને જ ભાગી ગયા.
નસીબવંતા ટીડા જોશી
એક રાજ્યમાં ટીડા જોશી નામના જ્યોતિષ રહેતા હતા. તે લોકોને કહેતા કે તે બધું જ જાણે છે. તે બધાનું ભવિષ્ય કહી શકે છે. તે ઘણા જ નસીબદાર હતા આથી જયારે પણ તે ભવિષ્ય કહેતા ત્યારે એ પ્રમાણે જ બનતું.
રાજ્યના રાજાએ એમના વિષે સાંભળ્યું. રાજાએ ટીડા જોશીને એમના વિશ્વાસુ સેવક તરીકે મહેલમાં રહેવા બોલાવ્યા. રાજાએ એમને સારો પગાર પણ આપ્યો.
એક દિવસ રાજા એમની સાથે ટીડા જોશીને રાજ્યના લોકોને મળવા લઇ ગયા. તેઓ એક ખેડૂતના ઘરે જમવા ગયા. ખેડૂતની પત્ની રોટલા બનાવતી હતી. ટીડા જોશીએ ગણ્યું કે કેટલી વખત રોટલા ટીપાય છે (કેટલી વખત ટપ ટપ થયું) એટલે તેઓ જાણી શક્યા કે કેટલા રોટલા બન્યા છે.
રાજાએ ટીડા જોશીની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. રાજાએ ટીડા જોશીને પૂછ્યું કે કેટલા રોટલા બન્યા છે. ટીડા જોશીએ તરત જ જવાબ આપ્યો કે ૧૩ રોટલા બન્યા છે કારણકે એમણે ગણ્યું હતું કે કેટલી વખત ટપ ટપ થયું. રાજાએ ખાતરી કરી અને ઘણા ખુશ થયા કે ટીડા જોશી સાચા હતા. રાજાએ એમને સારું ઇનામ આપ્યું.
ટીડા જોશી રાજાના મહેલમાં રહીને મજા કરતા હતા. એક દિવસ રાજાનો હાર ચોરાઈ ગયો. મહેલના માણસોએ આખા મહેલમાં શોધખોળ કરી પણ હાર ન મળ્યો. રાજાએ ટીડા જોશીને હાર ક્યાં છે તે જણાવવા કહ્યું. ટીડા જોશીએ એક દિવસનો સમય માંગ્યો.
ટીડા જોશી ઘણા ગભરાઈ ગયા કારણકે એ જાણતા નહોતા કે હાર ક્યાં છે. જુઠ્ઠું બોલવા માટે રાજા સજા કરશે એવા ડરથી તેઓ રાતે ઊંઘી પણ ન શક્યા. તેઓ બબડવા માંડ્યા:
"નીન્દરડી નીન્દરડી આવ".
મહેલમાં "નીન્દરડી" નામની એક સ્ત્રી હતી અને એણે જ હારની ચોરી કરી હતી. ટીડા જોશી તો ઊંઘને નીંદર કહેતા હતા. પણ તે સ્ત્રી સમજી કે ટીડા જોશી જાણી ગયા છે કે એણે જ હાર ચોર્યો છે. તે ટીડા જોશી પાસે આવી અને એમને હાર આપી દીધો. તે માફી માંગવા લાગી. ટીડા જોશી તો માની જ ન શક્યાકે એમના આવા સારા નસીબ છે! એમણે રાજાને હાર આપ્યો. રાજા ઘણા ખુશ થઇ ગયા અને એમને સોનામહોરો આપી.
એક દિવસ રાજા અને ટીડા જોશી ફરવા નીકળ્યા હતા. રાજાએ એક તીડું ઝડપી લીધું અને એમની મુઠ્ઠીમાં મૂકી દીધું. એમણે ટીડા જોશીને પૂછ્યું કે એમની મુઠ્ઠીમાં શું છે. હવે ટીડા જોશી સમજી ગયા કે એમના જુઠ્ઠાણાંનો અંત આવી ગયો છે. રાજાની મુઠ્ઠીમાં શું છે તે કેવી રીતે ખબર પડે? એમણે રાજાને સાચી વાત કહી દેવાનું નક્કી કર્યું.
તેઓ ગાવા લાગ્યા:
"ટપ ટપ કરતાં તેર જ ગણ્યા (૧૩ રોટલા ટીપાયા હતા).
નીંદરડીએ આપ્યો હાર (નીંદરડી નામની નોકરાણી).
કાં રાજા તું ટીડાને માર?”
આમ કહી તેઓ એમ કહેવા માંગતા હતા કે નસીબના જોરે જ એમનું જુઠ્ઠાણું ચાલ્યું છે તો રાજાએ "ટીડા"ને એટલે કે એમને ન મારવા જોઈએ. રાજાએ મુઠ્ઠી ખોલી તો એમાંથી તીડું નીકળ્યું! રાજા સમજ્યા કે જોશીએ "તીડા" જ કહ્યું છે! રાજાને લાગ્યું કે ટીડા જોશી બધું જ જાણી શકવાની શક્તિ ધરાવે છે!
બંધ બેસતી પાઘડી પહેરી....
એક ગામમાં ગોવિંદ નામના ખેડૂત રહેતા હતા. તે ગામના મુખી હતા.
એક વખત પવિત્ર શ્રાવણ મહીનામાં ગામવાસીઓએ એક કથાનું આયોજન કર્યું. લોકો દિવસ દરમ્યાન કામ કરતા અને સાંજે કથામાં જતા. એક મહાત્મા કથા કહેતા.
એક દિવસ મુખી ગોવિંદ એમના ખેતરે જતા હતા. એમણે જમીન પર એક બોર પડેલું જોયું. એમને બોર ખાવાની ઈચ્છા થઇ ગઈ. એમણે આસપાસ નજર કરી કે કોઈ જોતું તો નથી ને. ત્યાં નજીકમાં કોઈ નહોતું એટલે તેઓ જમીન પરથી બોર ઉપાડીને ખાઈ ગયા.
સાંજે તેઓ ગામના બીજા લોકો સાથે કથા સંભાળવા ગયા. કથા પૂરી થઇ ત્યારે કોઈએ મહારાજને પૂછ્યું કે કાલે શેની કથા કરવાના છો? મહારાજે કહ્યું કે "કાલે તો ગોવિંદના ગુણ ગવાશે". મહારાજનું કહેવું હતું કે "ગોવિંદ" એટલે કે ભગવાન શ્રીકૃષ્ણની કથા કરશે. ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ ગોવિંદ પણ છે. મુખી ગોવિંદ સમજ્યા કે મહારાજ એમના વિષે વાત કરે છે! એમને લાગ્યું કે નક્કી મહારાજ એમને નીચે પડેલું બોર ખાતા જોઈ ગયા હશે એટલે તેઓ આખા ગામને આ વાત કરવા માંગે છે!
આથી મુખીએ મહારાજને ભેટ આપીને ખુશ કરવા નક્કી કર્યું. મુખી મહારાજને મળવા ગયા અને ફળો ધર્યા. મુખીએ વિચાર્યું કે હવે મહારાજ કોઈને એમની વાત નહીં કરે. ફરીવાર કથાને અંતે કોઈએ મહારાજને પૂછ્યું કે બીજે દિવસે તેઓ શેની કથા કહેશે? મહારાજે કહ્યું કે તેઓ ગોવિંદની (ભગવાન શ્રીકૃષ્ણની) કથા કહેશે. મુખી ગોવિંદ સમજ્યા કે મહારાજને હજી વધારે ભેટ આપવી પડશે જેથી તેઓ પોતાની વાત ન કરે. આથી મુખીએ મહારાજને વસ્ત્રો આપ્યા.
આવું રોજ થોડા દિવસ ચાલ્યું. મહારાજ ગોવિંદ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ વિષે કહેતા હતા જયારે મુખી ગોવિંદ સમજતા કે મહારાજ આ રીતે એમને ધમકી આપે છે કે તેઓ એમની વાત બધાને કહી દેશે. આથી મુખી મહારાજને ફળો,વસ્ત્રો,પૈસા વિ. ભેટ આપ્યે જ ગયા.
થોડા દિવસ પછી મુખીએ વિચાર્યું કે મહારાજ તરફથી મળતી આ "ધમકીઓ"નો અંત લાવવો જ પડશે. કથાને અંતે મહારાજે જયારે કહ્યું કે તેઓ ગોવિંદની કથા કહેશે ત્યારે મુખી ગોવિંદ એમની સામે ગુસ્સે થઇ ગયા.
એમણે જાતે જ એમની વાત ગામ લોકોને કહી. એમણે કહ્યું કે એક દિવસ એમણે નીચે પડેલું બોર ખાધું હતું અને કદાચ આ મહારાજ તે જોઈ ગયા હશે. ત્યારથી રોજ મહારાજ "ગોવિંદના ગુણ ગવાશે, ગોવિંદના ગુણ ગવાશે..." એમ કહેતા એમને ધમકી આપે છે કે આ વાત બધાને કહી દેશે. ગામ લોકોએ મહારાજને પૂછ્યું કે આ સાચી વાત છે? મહારાજ કહે કે એમને તો આવી કોઈ વાતની ખબર જ નથી.તેઓ તો "ગોવિંદના ગુણ" એટલે ભગવાન શ્રીક્રષ્ણની કથા વિષે કહેતા હોય છે.
ગુજરાતી ઢોકળા
એક ગામમાં રવજી નામે એક ખેડૂત રહેતો હતો. એ ખાવાનો ઘણો શોખીન હતો. એની યાદદાસ્ત ઘણી ટૂંકી હતી એટલે એ બધું જલ્દી ભૂલી જતો.
એક દિવસ રવજી બીજા ગામમાં એના મિત્રના ઘરે ગયો. એના મિત્રની પત્નીએ ઢોકળા બનાવ્યાં હતાં. એને ઢોકળા બહુ ભાવ્યાં. રવજીએ ઘરે જઈને એની વહુને રાતે જમવામાં ઢોકળા બનાવવાનું કહેવા નક્કી કર્યું.
રવજી બધી વસ્તુ ભૂલી જતો એટલે સતત "ઢોકળા ઢોકળા..." એમ ગણગણવા લાગ્યો જેથી જયારે એ ઘરે પહોંચે ત્યારે એની પત્નીને શું કહેવાનું છે તે યાદ રહે. ચાલતાં ચાલતાં રસ્તામાં મોટો ખાડો આવ્યો. રવજીએ ખાડો કૂદી જવાનો પ્રયત્ન કર્યો પણ ખાડો બહુ મોટો હતો. રવજીએ પોતાનો ઉત્સાહ વધારવા "ઠેકું ઠેકું..." એમ બોલવા માંડ્યું (એટલે કે હું આ ખાડો ઠેકી-કૂદી શકીશ). રવજી ખાડો કૂદી તો શક્યો પણ પહેલાં શું બોલતો હતો તે ભૂલી ગયો!!
છેલ્લે એને "ઠેકું" શબ્દ યાદ હતો એટલે એણે ઘરે જઈને એની વહુને "ઠેકું" બનાવવા કહ્યું. રવજીની વહુએ એને કહ્યું કે "ઠેકું" નામની કોઈ ખાવાની ચીજ જ નથી. પણ રવજીએ તો દલીલો કરી કે એના મિત્રની પત્નીએ તો "ઠેકું" બનાવ્યું હતું. રવજીની વહુએ એને સમજાવવા બહુ કોશિશ કરી પણ આ તો કાંઈ સમજતો જ નહોતો.
પોપટ અને કાગડો
એક બગીચામાં જુદા જુદા વૃક્ષો ઉપર જાત જાતના પક્ષીઓ રહે છે. એક ઝાડ પર એક પોપટનું કુટુંબ અને એક કાગડાનું કુટુંબ રહે છે. એમના બચ્ચાંઓ સાથે સાથે જ મોટા થયા છે. તેઓ ત્યાં જ મોટા થઈને યુવાન બની ગયા. એક દિવસ પોપટે એની માને કહ્યું કે તે નજીકમાં આવેલા જંગલમાં કમાવા જવા માંગે છે. માને ચિંતા તો થઇ પણ એણે પોપટને જંગલમાં જવા રજા આપી અને થોડા દિવસોમાં જ પાછા આવી જવા કહ્યું.
પોપટ જંગલમાં જઈને એક તળાવ કિનારે આંબાના ઝાડ પર રહેવા લાગ્યો. એ ત્યાં મઝાથી બેસતો, ઝુલા ઝુલતો અને કેરીઓ ખાતો. એક દિવસ એણે એના ગામના એક ભરવાડને જોયો એટલે એણે એની માને સંદેશ આપવા વિચાર્યું. એણે ખુબ જ નમ્રતાથી ભરવાડને વિનંતી કરી અને ગાવા લાગ્યો:
"ભાઈ ગાયના ગોવાળ, ભાઈ ગાયના ગોવાળ,
મારી માને એટલું કહેજે, મારી માને તેટલું કહેજે,
પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી,
પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ
બેસી મઝા કરે".
ભરવાડે એની ખાતરી આપી કે તે ગામમાં જઈને એની માને એનો સંદેશ આપશે.
પોપટ થોડા દિવસ જંગલમાં રહીને કેરીઓ અને મીઠાં ફળો લઈને ઘરે આવ્યો. તે ગાવા લાગ્યો:
"ઢોલિયા ઢળાવો,
પાથરણાં પાથરવો,
પોપટભાઈ કમાઈને આવ્યા,
પોપટભાઈ કેરીઓ લાવ્યા,
પોપટભાઈ મીઠાં ફળો લઇ આવ્યા".
એણે એની પાંખો ખોલી અને એમાંથી કેરીઓ અને મીઠાં ફળો બહાર કાઢ્યાં. પોપટભાઈની પ્રગતિ જોઇને ઝાડ પર રહેતાં બીજાં પક્ષીઓ બહુ ખુશ થયાં.
આ જોઇને કાગડાના કુટુંબે પણ કાગડાભાઇને જંગલમાં જઈને કાંઇક કમાઈ લાવવા કહ્યું. કાગડો આળસુ હતો એટલે એ જંગલમાં નહોતો જવા માંગતો. એની માએ એને પરાણે ધકેલ્યો એટલે એણે રડારડ કરી મૂકી અને દુઃખી થઈને ગયો. એ કાદવ કીચડ વાળી ગંદી જગ્યાએ જઈને બેઠો. એ ગંદકી અને જીવડાં ખાવા લાગ્યો. એણે જયારે એના ગામના ભરવાડને જોયો ત્યારે એની સામે બૂમો પાડીને હુકમ આપતો હોય એમ બોલ્યો:
"એ ગોવાળિયા, એ ગોવાળિયા,
મારી માને જઈને એટલું કહેજે તેટલું કહેજે
કે કાગડો ભૂખ્યો નથી, કાગડો તરસ્યો નથી,
કાગડો કાદવમાં મઝા કરે, કાગડો ગંદકીમાં મઝા કરે".
ભરવાડ કાગડાની ઉદ્ધતાઈ જોઇને ગુસ્સે થઇ ગયો. એણે કાગડાનો સંદેશ લઇ જવાની ના પાડી દીધી.
થોડા દિવસ બાદ કાગડો કાદવ-કીચડ અને ગંદકી લઈને ઘરે આવ્યો. ઘરે આવીને એ બૂમો પાડવા લાગ્યો:
"ઢોલિયા ઢળાવો,
પાથરણાં પથરાવો,
કાગડાભાઇ કમાઈને આવ્યા,
કાગડાભાઇ કાદવ-કીચડ લઇ આવ્યા,
કાગડાભાઇ ગંદકી લઇ આવ્યા".
ઝાડ પર રહેતાં પક્ષીઓ કાગડા ઉપર ખુબ જ ગુસ્સે થઇ ગયા અને કાગડાને ઝાડ પરથી ભગાડી મુક્યો.
દલા તરવાડી અને વશરામ ભુવા
એક ગામમાં વશરામ ભુવા નામનો એક ખેડૂત રહેતો હતો. એને શાકભાજીની વાડી હતી. એ ગામમાં દલા તરવાડી નામનો એક કંજૂસ માણસ રહેતો હતો. એ હંમેશા ચીજ વસ્તુઓ સસ્તામાં જ ખરીદવાના રસ્તા શોધ્યા કરતો.
એક દિવસ દલા તરવાડી, વશરામ ભુવાની વાડી પાસેથી પસાર થતા હતા. એમણે જોયુંકે વાડીમાં કોઈ નહોતું. એમણે થોડું શાક ચોરી લેવાનું વિચાર્યું. તે રીંગણાંના છોડ પાસે ગયા. એમણે પોતાની જાત સાથે જ વાત કરી કે ચોરી કરવી એ પાપ છે એટલે એમણે વાડીની સંમતિ લેવી જોઈએ.
એમણે વાડીને પૂછ્યું:
"વાડી રે વાડી!"
પછી એમણે જાતે જ વાડી તરીકે જવાબ આપ્યો:
"હા બોલો, દલા તરવાડી".
પાછા એમણે વાડીને પૂછ્યું:
"રીંગણાં લઉં બે ચાર?"
એમણે જાતે જ વાડી તરીકે જવાબ આપ્યો:
"લ્યોને ભાઈ દસ બાર!"
આમ એમણે થોડાં રીંગણાં લઇ લીધાં અને જાતે જ સંતોષ માન્યો કે એમણે રીંગણાંની ચોરી નથી કરી પણ વાડીની સંમતિ લીધી છે.
આ રીતે દલા તરવાડી દરરોજ વાડીમાંથી જુદા જુદા શાકભાજી લઇ જવા લાગ્યા. વાડીના માલિક વશરામ ભુવાએ જોયું કે દરરોજ એમની વાડીમાંથી થોડાં શાકભાજી ચોરાઈ જાય છે. આથી એમણે પહેરો ભરવાનું નક્કી કર્યું.
તેઓ એક વૃક્ષની પાછળ સંતાઈ ગયા અને જોવા લાગ્યા કે કોણ શાકભાજી ચોરી જાય છે. એવામાં દલા તરવાડી વાડીમાં આવ્યા. એમણે શાકભાજી લઇ જવા માટે વાડીની સંમતિ માંગી. પછી જાતે જ વાડી તરીકે જવાબ આપીને શાકભાજી લઇ જવાની સંમતિ આપી.
વશરામ ભુવાએ દલા તરવાડીને પકડ્યા. દલા તરવાડી કહે કે તેઓ ચોરી નથી કરતા પણ વાડીને પૂછીને શાકભાજી લઇ જાય છે. વશરામ ભુવા આવા ચોર પર બહુ ગુસ્સે થઇ ગયા. એમણે દલા તરવાડીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેઓ દલા તરવાડીને એક કૂવા પાસે લઇ ગયા.
વશરામ ભુવાએ કુવાને પૂછ્યું:
“કૂવા રે ભાઈ કૂવા!"
પછી એમણે જાતે જ કૂવા તરીકે જવાબ આપ્યો:
"હા બોલો વશરામ ભુવા!"
વશરામ ભુવાએ કૂવાને પૂછ્યું:
"ડૂબકી ખવડાવું ત્રણ ચાર?"
પછી એમણે જાતે જ કૂવા તરીકે જવાબ આપ્યો:
"ડૂબકી ખવડાવોને દસ બાર!"
વશરામ ભુવાએ દલા તરવાડીનું મોઢું કૂવાના પાણીમાં દસ બાર વખત ડૂબાડયું. દલા તરવાડી રોવા લાગ્યા અને વશરામ ભુવાને કહેવા લાગ્યા કે ફરી ક્યારેય ચોરી નહીં કરે.
No comments:
Post a Comment