ઉંદરની ટોપી
એક ઉંદર હતો. એને રસ્તા પરથી એક સરસ મજાનો કાપડનો ટુકડો મળ્યો. એને થયું, લાવ ને આની મજાની ટોપી બનાવું. એ તો કાપડનો ટુકડો લઈને પહોંચ્યો દરજી પાસે.
ઉંદર દરજીને કહે, "દરજીભાઈ, દરજીભાઈ, મને ટોપી સીવી આપો".
દરજી કહે, "જા. જા. તારા જેવા ઉંદર માટે ટોપી સીવવા મારી પાસે સમય નથી".
ઉંદર કહે, "એમ? તો સિપાહી કો બુલાઉંગા. બડે માર દેઉંગા. ખડે તમાશા દેખુંગા" - એટલે કે, "સિપાહીને બોલાવીશ. બરાબરનો માર ખવરાવીશ. ઉભો ઉભો તમાશો જોઇશ".
દરજી તો ડરી ગયો. એ ઉંદરને કહે, "ના ના ભાઈ. એવું ન કરીશ. લાવ તારી ટોપી સીવી આપું છું".
એણે સરસ મજાની ટોપી સીવી આપી. ઉંદર તો રાજી રાજી થઇ ગયો. પછી એને થયું કે આવી મજાની ટોપી પર ભરત ભર્યું હોય તો કેવું સારું લાગે?
એ તો ઉપડ્યો ભરત ભરવાવાળા પાસે. જઈને કહે, "ભાઈ, મને મારી આ ટોપી પર મજાનું ભરત ભરી આપ".
ભરત ભરવાવાળો કહે, "જા. જા. તારા જેવા ઉંદર માટે ભરત ભરવા મારી પાસે સમય નથી".
ઉંદર કહે, "એમ? તો સિપાહી કો બુલાઉંગા. બડે માર દેઉંગા. ખડે તમાશા દેખુંગા".
ભરત ભરવાવાળો તો ડરી ગયો. એ ઉંદરને કહે, "ના ના ભાઈ. એવું ન કરીશ. લાવ તારી ટોપીને ભરત ભરી આપું છું".
ઉંદર રાજી રાજી થઇ ગયો. પછી એને થયું કે આવી મજાની ભરત ભરેલી ટોપી પર મોતી ટાંક્યાં હોય તો કેવું સારું લાગે?
એ તો ઉપડ્યો મોતી ટાંકવાવાળા પાસે. જઈને કહે, "ભાઈ, મને મારી આ ટોપી પર સરસ મજાના મોતી ટાંકી આપ".
મોતી ટાંકવાવાળો કહે, "જા. જા. તારા જેવા ઉંદર માટે મોતી ટાંકવા મારી પાસે સમય નથી".
ઉંદર કહે, "એમ? તો સિપાહી કો બુલાઉંગા. બડે માર દેઉંગા. ખડે તમાશા દેખુંગા".
મોતી ટાંકવાવાળો તો ડરી ગયો. એ ઉંદરને કહે, "ના ના ભાઈ. એવું ન કરીશ. લાવ તારી ટોપીને મોતી ટાંકી આપું છું".
ઉંદર એકદમ ગેલમાં આવી ગયો અને નાચવા કુદવા લાગ્યો.
ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને ઉંદરને કહે, "એય ઉંદરડા, આઘો ખસ અહીંથી. રાજાની સવારી નીકળે છે".
ઉંદર સિપાહીઓને કહે, "નહીં ખસું. રાજાની ટોપી કરતાં તો મારી ટોપી વધારે સારી છે".
આ સાંભળીને રાજા ચિડાઈ ગયો. એણે સિપાહીઓને કહ્યું કે, "આ ઉંદરની ટોપી લઇ લ્યો".
ઉંદર ગાવા લાગ્યો, "રાજા ભિખારી... રાજા ભિખારી. મારી ટોપી લઇ લીધી...મારી ટોપી લઇ લીધી...".
રાજાએ સિપાહીને કહ્યું, "આની ટોપી પાછી આપી દો. મને ભિખારી કહે છે".
સિપાહીઓએ ઉંદરને એની ટોપી પાછી આપી દીધી.
ઉંદર ગાવા લાગ્યો, "રાજા મારાથી ડરી ગયો...રાજા મારાથી ડરી ગયો..."
ખોડ ખોડ દાળીયો દે
એક છોકરો દાળિયા ઉછાળીને ખાતો હતો. એમાં એક દાળીયો ખોડ (છાપરા)માં પડ્યો.
છોકરો કહે, "ખોડ ખોડ, દાળીયો દે".
ખોડ કહે, "જા. નહીં દઉં".
છોકરો તો ઉપડ્યો સુથાર પાસે. એ સુથારને કહે, "સુથાર, સુથાર, ખોડ કાપ".
સુથાર કહે, "જા. નહીં કાપું”.
છોકરો તો ગયો રાજા પાસે. એ રાજાને કહે, "રાજા, રાજા, સુથારને દંડ દે".
રાજા કહે, "જા. નહીં દઉં".
છોકરો ગયો રાણી પાસે. છોકરો રાણીને કહે, "રાણી, રાણી, રાજાથી રિસાઈ જા".
રાણી કહે, "જા. નહીં રિસાઉં".
છોકરો ઉપડ્યો ઉંદર પાસે. એ ઉંદરને કહે, "ઉંદર, ઉંદર, રાણીના ચીર કાપ".
ઉંદર કહે, "જા. નહીં કાપું".
છોકરો ગયો બિલાડી પાસે. એ બિલાડીને કહે, "બિલાડી, બિલાડી, ઉંદરને માર".
બિલાડી કહે, "જા. નહીં મારું".
છોકરો ગયો કુતરા પાસે. એ કુતરાને કહે, "કુતરા, કુતરા, બિલાડીને માર".
કુતરો કહે,"જા. નહીં મારું".
છોકરો ગયો લાકડી પાસે. એ લાકડીને કહે, "લાકડી, લાકડી, કુતરાને માર".
લાકડી કહે, "જા. નહીં મારું".
છોકરો ઉપડ્યો આગ પાસે. એ આગને કહે, "આગ, આગ, લાકડીને બાળ".
આગ કહે, "જા. નહીં બાળું".
છોકરો ગયો પાણી પાસે. એ પાણીને કહે, "પાણી, પાણી, આગ બુઝાવ".
પાણી કહે, "જા. નહીં બુઝાવું".
છોકરો ગયો હાથી પાસે. એ હાથીને કહે, "હાથી, હાથી, પાણી સુકવ".
હાથી કહે, "જા. નહીં સુકવું".
છોકરો ઉપડ્યો મચ્છર પાસે. એ મચ્છરને કહે, "મચ્છર, મચ્છર, હાથીના કાનમાં બેસી જા".
મચ્છર તો હાથીના કાનમાં બેસવા લાગ્યું! હાથી કહે, "અરે! અરે! મારા કાનમાં ન બેસ. હું પાણી સુકવું છું".
પાણી કહે, "ના ભાઈ, મને સુકાવીશ નહીં. હું આગ બુઝાવું છું".
આગ કહે, "ના ના. મને બુઝાવશો નહીં. હું લાકડી બાળું છું".
લાકડી કહે, "ના મને બાળીશ નહીં. હું કુતરાને મારું છું".
કુતરો કહે, "ના ભાઈ, મને મારશો નહીં. હું બિલાડીને મારીશ".
બિલાડી કહે, "ના મને ન મારશો. હું ઉંદરને મારું છું".
ઉંદર કહે, "ના ના. હું રાણીના ચીર કાપીશ".
રાણી કહે, "ના ભાઈ, ચીર ન કાપીશ. હું રાજાથી રિસાઉં છું". રાજા રાણીને કહે, "ના રિસાઈશ નહીં. હું સુથારને દંડ દઈશ".
સુથાર કહે, "ના ના. હું ખોડ કાપી આપીશ". ખોડ કહે, "ના મને ન કાપીશ. હું છોકરાને એનો દાળીયો આપું છું".
સસ્સા રાણા સાંકળિયા
એક ગામ પાસે જંગલમાં એક બાવાજી ઝુંપડી બનાવી રહેતા હતા અને એક નાના મંદિરમાં પૂજા પાઠ કરતા હતા. બાવાજી રોજ જંગલમાંથી તાજાં, પાકાં ફળો અને શાકભાજી લઇ આવતા.
એક વાર બાવાજી જંગલમાં ગયા હતા ત્યારે એક સસલાભાઈ એમની ઝુંપડીએ આવી પહોંચ્યા. તાજાં, પાકાં ફળો, શાકભાજી જોઇને સસ્સાભાઈ તો રાજી રાજી થઇ ગયા. એ તો બાવાજીની ઝુપડીમાં ઘુસી ગયા અને અંદરથી બારણું બંધ કરી દીધું. પછી નિરાંતે ફળો અને શાકભાજી ખાવા લાગ્યા.
થોડી વારે બાવાજી આવ્યા તો એમણે જોયું કે ઝુંપડીનું બારણું બંધ છે. બાવાજીએ વિચાર્યું કે અહીં જંગલમાં એમની ઝુપડીમાં કોણ ઘુસી ગયું હશે? એમણે બારણું ખટખટાવી પૂછ્યું, "ભાઈ, અંદર કોણ છે?"
સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા,
"એ તો સસ્સા રાણા સાંકળિયા,
ડાબે પગે ડામ.
ભાગ બાવા નહીંતર તારી તુંબડી તોડી નાખું..."
બાવાજી તો ગભરાઈ ગયા અને જાય ભાગ્યા ગામ ભણી. ગામ પાસેના ખેતરના ખેડૂત પટેલ સામે મળ્યા.
પટેલે બાવાજીને પૂછ્યું, "બાવાજી, આમ ગભરાયેલા કેમ છો? કેમ ભાગો છો?"
બાવાજીએ પટેલને સસ્સા રાણા વાળી વાત કરી. પટેલ કહે, "ચાલો, હું તમારી સાથે આવું".
પટેલ બાવાજીની ઝુંપડીએ ગયા અને બારણું ખટખટાવી પૂછ્યું, "અંદર કોણ છે?"
સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા,
"એ તો સસ્સા રાણા સાંકળિયા,
ડાબે પગે ડામ.
ભાગ પટેલ નહીંતર તારી તુંબડી તોડી નાખું..."
પટેલે આવું કૌતુક ક્યારેય નહોતું જોયું એટલે એ પણ ગભરાયા અને ભાગ્યા. એમણે ગામના મુખીને બોલાવ્યા. ગામના મુખી બાવાજીની ઝુંપડીએ ગયા અને બારણું ખટખટાવી પૂછ્યું, "અંદર કોણ છે?"
સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા,
"એ તો સસ્સા રાણા સાંકળિયા,
ડાબે પગે ડામ.
ભાગ મુખી નહીંતર તારી તુંબડી તોડી નાખું..."
મુખી પણ ગભરાયા. બધા મૂંઝાયા કે આ વળી સસ્સા રાણા કોણ છે? આવો અવાજ કોનો છે?
બધાએ બાવાજીને કહ્યું, "તમે આજે ઝુંપડીમાં ન જાવ. આજની રાત ગામમાં જ રહો". બાવાજી એમની ઝુંપડી છોડી ગામમાં સુવા જતા રહ્યા.
સસ્સાભાઈને તો બહુ મજા પડી ગઈ. એમણે તો ધરાઈને ખાધું અને પછી નિરાંતે સુઈ ગયા. સવારે ઝુંપડી છોડી જંગલમાં જતા રહ્યા.
આ વાતની શિયાળભાઈને ખબર પડી. એકવાર બાવાજી બહાર ગયા હતા ત્યારે શિયાળભાઈ એમની ઝુંપડીમાં ઘુસી ગયા. બાવાજીએ આવીને જોયું કે ફરી વાર કોઈ ઝુંપડીમાં ઘુસી ગયું છે.
બાવાજીએ પટેલને અને મુખીને બોલાવ્યા. બધાએ બારણું ખટખટાવી પૂછ્યું, "અંદર કોણ છે?"
શિયાળભાઈ બોલ્યા,
"એ તો શિયાળભાઈ સાંકળિયા.
ડાબે પગે ડામ.
ભાગ બાવા. નહીતર તારી તુંબડી તોડી નાંખું".
બધા શિયાળભાઈનો અવાજ ઓળખી ગયા. "અરે આ તો શિયાળવું છે".
બધાએ ભેગા મળી બારણું તોડી નાખ્યું. અંદર જઈ શિયાળને બરાબરનો મેથીપાક આપ્યો!
શિયાળભાઈ તો જાય ભાગ્યા જંગલમાં.
મા મને છમ્મ વડું...
એક ગામ હતું. એમાં એક ગરીબ માણસ રહેતો હતો. એને સાત દીકરીઓ હતી. ગરીબ માણસ પાસે કાંઈ જ કામ નહોતું. એ રોજ ભિક્ષા માંગીને ખાતો - ખવરાવતો.
એક દિવસ એને ભિક્ષામાં થોડો લોટ મળ્યો. એને થયું કે ઘણા દિવસથી વડાં નથી ખાધાં તો લાવ આજે વડાં ખાઈએ. પરંતુ લોટ વધારે ન હોવાથી ઘરના બધા જ માટે વડાં ન બની શકે. એટલે એણે એની પત્નીને કહ્યું કે દીકરીઓ સુઈ જાય પછી વડાં બનાવજે.
રાત પડી અને દીકરીઓ સુઈ ગઈ. પછી એમની માએ વડાં બનાવવા માંડ્યાં. વડાં બનાવતાં ગરમ તેલમાં લોટ પડે ત્યારે છમ્મ એવો અવાજ થાય. છમ્મ સાંભળીને સૌથી મોટી દીકરી જાગી ગઈ.
એ તરત રસોડામાં ગઈ અને બોલી, "મા મને છમ્મ વડું...".
માએ ના છુટકે એને વડું આપવું પડ્યું.
પછી માએ બીજું વડું બનાવ્યું તો એનો છમ્મ અવાજ સાંભળીને બીજી દીકરી જાગી ગઈ અને એણે પણ મા પાસે જઈ કહ્યું, "મા મને છમ્મ વડું...". માએ ના છુટકે એને વડું આપવું પડ્યું.
આમ કરતાં સાતેય દીકરીઓએ એક એક વડું ખાઈ લીધું. એમના બાપને બિચારાને એક પણ વડું ન મળ્યું. એ તો ગુસ્સે થઇ ગયો. માંડ માંડ વડાં ખાવા મળતાં હતાં અને દીકરીઓ ખાઈ ગઈ. એ તો સાતેય દીકરીઓને લઈને જંગલમાં મૂકી આવ્યો.
છ બહેનો તો એક ઝાડ પર ચડી ગઈ પણ નાની બહેન ઝાડ પર ન ચડી શકી. એ દુર દુર દોડવા માંડી. એણે એક સરસ મજાનું મકાન જોયું. એણે મકાનમાં અંદર જઈ જોયું તો ખુબ સારું સારું ખાવા પીવાનું હતું. એ તો એકદમ રાજી રાજી થઇ ગઈ. નાચવા કુદવા લાગી. એણે તરત જ એની છ બહેનોને બોલાવી. સાતેય બહેનો મકાનમાં રહેવા લાગી. સારું સારું ખાઈ-પીને એકદમ ગુલાબી અને તંદુરસ્ત દેખાવા લાગી.
આ બાજુ એમના બાપને ખુબ પસ્તાવો થયો કે, "અરેરે. હું કેવો બાપ છું. મારી દીકરીઓએ વડાં ખાધાં એમાં ગુસ્સે થઈને એમને જંગલમાં મૂકી આવ્યો. મારી દીકરીઓનું શું થતું હશે?"
ટચુકિયા ભાઈ
એક ગામમાં એક ઘરડાં માજી રહેતાં હતાં. એમને કોઈ બાળકો નહોતા. માજી એકલાં રહેતાં હતાં. એક દિવસ માજી જંગલમાં શાકભાજી લેવા ગયાં. એમણે એક ફણસ તોડ્યું. ઘરે આવીને ફણસ કાપ્યું તો એમાંથી એક બાળક નીકળ્યું. માજીએ એનું નામ સાંગો પાડ્યું. માજી એને ઉછેરવા લાગ્યા. એક દિવસ ફણસમાંથી બીજો છોકરો નીકળ્યો. માજીએ એનું નામ સરવણ પાડ્યું.
ફરી એક દિવસ માજીને ફણસમાંથી બાળક મળ્યું. માજીએ એનું નામ લાખો પાડ્યું. એ પછી પણ ફણસમાંથી બાળક નીકળ્યું એનું નામ લખમણ પાડ્યું. માજી ચાર દીકરાને ઉછેરવા લાગ્યા. થોડા વખત પછી ફરી એક વાર ફણસમાંથી એક બાળક નીકળ્યું. આ બાળક સાવ ટચુકિયો હતો! એનું નામ ટચુકિયા ભાઈ પાડ્યું. માજી અને આ પાંચ દીકરા સુખથી રહેવા લાગ્યા.
એક દિવસ માજી જંગલમાંથી જતાં હતાં ત્યાં સિંહ મળ્યો.
સિંહ માજીને કહે, "માજી, હું તમને ખાઈ જઈશ".
માજી સિંહને કહે, "અરે ભાઈ, મને ઘરડીને શું ખાઇશ? હું મારા તાજા માજા દીકરા ટચુકિયાને મોકલું છું. એને ખાજે".
સિંહ કહે, "ભલે, તો મોકલો તમારા ટચુકિયાને".
માજી જાણતા હતાં કે ટચુકિયો બહુ જ ચાલાક છે. એ જરૂર કોઈ રસ્તો કાઢશે.
માજીએ ઘરે જઈને ટચુકિયા ભાઈને કહ્યું કે જંગલમાં સિંહ મામા રહે છે. એ તમને મળવા બોલાવે છે.
"ટચુકિયા ભાઈ રે, મામા ઘરે જાજો..."
ટચુકિયાભાઈ સમજી ગયા કે સિંહમામા કાંઈ અમસ્તા મળવા ન બોલાવે. એ કહે,
"ના મા, મામા મને ખાય..."
માજીએ ટચુકિયા ભાઈને કહ્યું કે તમે કોઈ રસ્તો શોધો અને આપણને બધાંને સિંહથી બચાવો.
ટચુકિયાભાઈએ માજીને કહ્યું કે તમે સિંહને કહો કે આપણે ઘરે જ જમવા આવે.
માજી જંગલમાં ગયાં. સિંહે માજીને કહ્યું, "કેમ, તમારો ટચુકિયો ન આવ્યો? હવે હું તમને ખાઉં".
માજીએ સિંહને કહ્યું કે, "સિંહભાઈ, તમે અમારા ઘરે જ જમવા આવોને? મારે પાંચ દીકરા છે".
સિંહને થયું, "આ સારું. માજીને ઘરે જઈશ તો માજી અને એના પાંચ દીકરા એમ છ માણસ ખાવા મળશે".
સિંહ તો માજીને ઘરે ગયો. પાંચેય દીકરા સાથે ખુબ વાતો કરી. પછી માજીએ સિંહને કહ્યું કે, "સિંહભાઈ, તમે શું જમશો?"
સિંહ કહે,
"પહેલાં તો ખાશું સાંગો ને સરવણ.
પછી તો ખાશું લાખો ને લખમણ.
પછી તો ખાશું ટચુકિયા ભાઈને.
છેલ્લે ખાશું ડોહલી બાઈને..."
ટચુકિયાભાઈ સિંહને કહે, "મામા, એટલા જલ્દી અમને ન ખાશો. પહેલાં અમારી એક વાર્તા સાંભળો". આમ કહી એમણે સિંહને વાત કહી કે અમે પાંચ ભાઈ ભેગા મળીને કોઈને કેવી રીતે મારીએ અને પછી ગાવા લાગ્યા,
"હાથડા તો જાલશે સાંગો ને સરવણ.
પગડા તો જાલશે લાખો ને લખમણ.
ગળું તો કાપશે ટચુકિયા ભાઈ.
દીવડો તો જાલશે ડોહલી બાઈ…"
સિંહને થયું, "ઓ બાપ રે! આ બધા ભેગા મળી જાય તો મને આવી રીતે મારી શકે. તો ચાલ ભાઈ, ભાગ અહીંથી..."
સિંહ તો જાય ભાગ્યો...
ટચુકિયાભાઈ બુમ પાડીને કહે, "અરે સિંહમામા, જમ્યા વગર કેમ ભાગ્યા?"
ચકી બાઈ એક મુંડાય રાજા કુટુંબ મુંડાય
એક રાજાના મહેલમાં એક ચકલી રહેતી હતી. એક દિવસ રાજા સભા ભરીને બેઠો હતો. ચકલી રાજાના માથા ઉપરથી ઉડી અને ભૂલથી એની ચરક રાજાના માથા ઉપર પડી!
રાજા ખુબ જ ગુસ્સે થઇ ગયો. એણે એના સિપાઈઓને હુકમ કર્યો કે ચકલીને પકડીને એનું માથું મુંડી નાંખો. ચકલીને ઘણું લાગી આવ્યું. એણે રાજાને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું. એ યોગ્ય તક મળે એની રાહ જોવા લાગી.
એક દિવસ રાજા મંદિર ગયો. એ ભગવાનને પગે લાગીને પ્રાર્થના કરવા લાગ્યો, "હે ભગવાન! મારા પર દયા કરજો".
ચકલી ભગવાનની મૂર્તિ પાછળ છુપાઈ ગઈ અને અવાજ કાઢ્યો, "જા રે રાજા! ભાગ! હું તારા પર દયા નહીં કરું".
રાજાએ પૂછ્યું, "એવું કેમ ભગવાન?"
ચકલી બોલી, "પહેલાં તારું માથું મુંડાવ".
રાજાએ ઘરે જઈને માથું મુંડાવ્યું. પછી પાછો મંદિર આવ્યો અને પ્રાર્થના કરવા લાગ્યો, "હે ભગવાન! મારા પર દયા કરજો".
ચકલી ભગવાનની મૂર્તિ પાછળ છુપાઈ ગઈ અને અવાજ કાઢ્યો, "જા રે રાજા! ભાગ! હું તારા પર દયા નહીં કરું".
રાજાએ પૂછ્યું, "એવું કેમ ભગવાન?"
ચકલી બોલી, "પહેલાં તારી રાણીનું માથું મુંડાવ".
રાજાએ ઘરે જઈને રાણીનું માથું મુંડાવ્યું. પછી પાછો મંદિર આવ્યો અને પ્રાર્થના કરવા લાગ્યો, "હે ભગવાન! મારા પર દયા કરજો".
ચકલી ભગવાનની મૂર્તિ પાછળ છુપાઈ ગઈ અને અવાજ કાઢ્યો, "જા રે રાજા! ભાગ! હું તારા પર દયા નહીં કરું".
રાજાએ પૂછ્યું, "એવું કેમ ભગવાન?"
ચકલી બોલી, "પહેલાં તારા કુંવરનું માથું મુંડાવ".
રાજાએ ઘરે જઈને કુંવરનું માથું મુંડાવ્યું. પછી પાછો મંદિર આવ્યો અને પ્રાર્થના કરવા લાગ્યો, "હે ભગવાન! મારા પર દયા કરજો".
ચકલી ભગવાનની મૂર્તિ પાછળ છુપાઈ ગઈ અને અવાજ કાઢ્યો, "જા રે રાજા! ભાગ! હું તારા પર દયા નહીં કરું".
રાજાએ પૂછ્યું, "એવું કેમ ભગવાન?"
ચકલી બોલી, "પહેલાં તારી કુંવરીનું માથું મુંડાવ".
રાજાએ ઘરે જઈને કુંવરીનું માથું મુંડાવ્યું. પછી પાછો મંદિર આવ્યો અને પ્રાર્થના કરવા લાગ્યો, "હે ભગવાન! મારા પર દયા કરજો".
આ વખતે ચકલી ભગવાનની મૂર્તિ પાછળથી બહાર આવીને ગાવા લાગી,
"ચકીબાઈ એક મુંડાય, રાજા કુટુંબ મુંડાય..."
"ચકીબાઈ એક મુંડાય, રાજા કુટુંબ મુંડાય..."
"ચકીબાઈ એક મુંડાય, રાજા કુટુંબ મુંડાય..."
ચકીબાઈને મજા પડી ગઈ. એણે રાજા સાથે મીઠો બદલો લીધો અને પાઠ ભણાવ્યો કે ક્યારેય કોઈનું અપમાન ન કરવું જોઈએ.
લપોડ શંખ
એક ગામમાં બે મિત્રો રહેતા હતા. એક ઘણો ગરીબ અને સાદો-ભોળો હતો. એણે ભગવાન શંકરનું તપ કર્યું અને પોતાને થોડી સંપત્તિ આપવા પ્રાર્થના કરી. શિવજીએ એને એક શંખ આપ્યો અને રોજ એ શંખની પૂજા કરવા કહ્યું.
આ ગરીબ માણસ રોજ શંખની પૂજા કરતો. રોજ શંખ એને એક સોનામહોર આપતો. આ રીતે રોજ એક સોનામહોર મળતી હોવાથી એ ઘણો ધનિક બની ગયો!
એના મિત્રએ એને આમ એકદમ ધનિક બની જવાનું રહસ્ય પૂછ્યું. ભોળા મિત્રએ એને બધું કહી દીધું. એનો આ મિત્ર લોભી હતો. એણે શિવજીનો શંખ પડાવી લેવાનું નક્કી કર્યું. એણે શિવજીના શંખ જેવો દેખાતો એક બીજો શંખ મેળવી લીધો. એક રાત એ એના મિત્રને ઘરે રહ્યો અને શિવજીના શંખની સાથે પોતાના શંખની અદલા બદલી કરી નાંખી!
બીજે દિવસે ભોળા મિત્રએ શંખની પૂજા કરી ત્યારે શંખે કશું ન આપ્યું. એણે શિવજીની પ્રાર્થના કરી અને પૂછ્યું કે એની સાથે આવું કેમ બન્યું? શિવજીએ એને બીજો એક શંખ આપ્યો અને કહ્યું કે આ શંખ એની પાસેની વસ્તુને બમણી કરી આપશે! ભોળા મિત્રએ આ વાત એના મિત્રને કરી. લોભી મિત્ર શિવજીનો ચમત્કારી શંખ પાછો લઇ આવ્યો અને એને આ નવા શંખ સાથે બદલાવી નાંખ્યો. એ નવો શંખ લઇ ગયો.
લોભી મિત્રએ નવા શંખની પૂજા કરી અને પોતાની સંપત્તિ બમણી કરી આપવા કહ્યું. પરંતુ એને કશું જ ન મળ્યું! આપણા ભોળા મિત્રને તો શિવજીનો મૂળ ચમત્કારી શંખ પાછો મળી ગયો હતો એટલે એણે એ શંખની પૂજા કરી ત્યારે એને સોનામહોર મળવા લાગી!
લોભી મિત્ર રડવા લાગ્યો અને શંખને "લપોડ શંખ" કહી એનો ઘા કરી દીધો!
રંગીલા રળિયા કાકા
એક ગામમાં રળિયા નામનો એક માણસ રહેતો હતો. એ ઘણો જ વિનમ્ર હતો. તેનો સ્વભાવ ઘણો આનંદી હતો એટલે લોકો તેને "રંગીલા રળિયા કાકા" કહેતા.
એક દિવસ બે છોકરીઓ તેલ ભરેલી બરણી લઈને શેરીમાંથી જઈ રહી હતી. એક છોકરી બીજી છોકરીને એના કુટુંબની સમસ્યાઓ વિષે કહેતી હતી. એના પપ્પાની તબિયત સારી નહોતી રહેતી, મમ્મી ચિંતામાં જ રહેતી, ભાઈ પરીક્ષામાં નાપાસ થયા કરતો. તે એના ઘરની શાંતી માટે કાંઈ પણ કરવા તૈયાર હતી.
રળિયા કાકા છોકરીઓની પાછળ જ ચાલતા હતા. એમણે છોકરીને સુચન કર્યું કે હનુમાનજીને તેલ ચઢાવી દે! છોકરીઓ રળિયા કાકાનો આદર કરતી હતી એટલે એમણે રળિયા કાકાની વાત માની. વળી એ દિવસે શનિવાર હતો એટલે હનુમાનજીનો વાર! છોકરીએ બધું તેલ હનુમાનજીને ચઢાવી દીધું!
છોકરી ઘરે ગઈ ત્યારે એની માએ એને તેલ માટે પૂછ્યું. જયારે માએ શું બન્યું તે જાણ્યું ત્યારે એ ખુબ જ ગુસ્સે થઇ ગઈ. તે રાજા પાસે રળિયા કાકા સામે ફરિયાદ કરવા ગઈ.
આ બાજુ રળિયા કાકા બુટ ચંપલની દુકાનમાં બુટ ખરીદવા ગયા. એમણે જુદી જુદી જાતના બુટના નામ પૂછ્યાં. બુટની એક જોડીનું નામ હતું "પેર જા".
દુકાનદારે નામ કહ્યું, "પેર જા".
હિન્દી ભાષામાં "પેર જા" એટલે "પહેરી લે". એટલે રળિયા કાકા તો એ બુટ પહેરીને ઘરે જવા લાગ્યા. દુકાનદારે પૈસા આપવા કહ્યું તો રળિયા કાકા કહે,
"કેમ ભાઈ? હમણા જ તો તમે મને કહ્યું કે પેર જા..." (એટલે કે પહેરી લે).
દુકાનદાર ગુસ્સે થઇ ગયો અને રાજાને ફરિયાદ કરવા ગયો.
પછી રળિયા કાકા મીઠાઈની દુકાને ગયા. એમણે જુદી જુદી મીઠાઈના નામ પૂછ્યાં. દુકાનદારે મીઠાઈઓના નામ કહ્યાં. એમાં ખાજા પણ હતા. ખાજા નામની મીઠાઈ આપણે નાગપંચમીના તહેવારમાં ખાતા હોઈએ છીએ.
દુકાનદારે મીઠાઈનું નામ કહ્યું, "ખાજા".
હિન્દી ભાષામાં "ખાજા" એટલે "ખાઈ લે". રળિયા કાકા તો ખાજાનો મોટો ટુકડો ખાઈને ઘરે જવા લાગ્યા.
મીઠાઈનો દુકાનદાર પણ રાજાને ફરિયાદ કરવા ગયો. રાજાએ રળિયા કાકાને બોલાવવા એક સિપાહીને મોકલ્યો. રળિયા કાકા સરળ અને સારા માણસ તરીકે જાણીતા હોવાથી સિપાહીને થયું કે રાજાએ એમને કોઈ ઇનામ આપવા બોલાવ્યા હશે. સિપાહીએ રળિયા કાકાને કહ્યું કે તમને જે ઇનામ મળે એમાંથી મને પણ કાંઇક આપજો. રળિયા કાકાએ સિપાહીને ઈનામનો ભાગ આપવાનું વચન આપ્યું.
રાજાએ રળિયા કાકાને એમની સામેની ફરિયાદો વિષે પૂછ્યું. રળિયા કાકાએ રાજાને આ બધી રમુજી વાતો કહી. હનુમાનજીને તેલ ચઢાવવાની, બુટ પહેરી લેવાની અને ખાજા ખાઈ જવાની વાતો માણીને રાજા ખુબ હસ્યા. રાજાએ ખુશ થઈને રળિયા કાકાને કોઈ ઇનામ માંગવા કહ્યું. રળિયા કાકાએ ઇનામમાં ચાબુકના ૧૦૦ ફટકા માંગ્યા!!
રાજા તો આ સાંભળીને સ્તબ્ધ થઇ ગયા. રળિયા કાકાએ રાજાને કહ્યું કે એમના સિપાહીએ ઈનામનો ભાગ માંગ્યો છે. માટે આવા લોભી સિપાહીને ચાબુકના ફટકાના "ઇનામ"નો ભાગ મળવો જ જોઈએ. પોતાના કર્મચારીઓ આવી રીતે લાંચ માંગે છે એ જાણીને રાજા ખુબ જ ગુસ્સે થઇ ગયા. એમણે સિપાહીને કડક સજા કરી અને રળિયા કાકાને ૧૦૦ સોનામહોરનું ઇનામ આપ્યું. રંગીલા રળિયા કાકા સુખેથી રહેવા લાગ્યા...
ખડબડ ખાં
એક રાજા હતો. એ ઘણો જ સારો રાજા હતો. એના રાજયમાં બધા બહુ જ સુખી હતા. એ રોજ રાતે નગરચર્યા કરવા નીકળતો. એક રાતે એ રસ્તો ભૂલી ગયો. એ એક ઘરડા માજીના ઘરે ગયો. રાજાએ વેશપલટો કર્યો હોવાથી માજી રાજાને ઓળખી ન શક્યાં. રાજાએ પાણી માગ્યું એટલે માજીએ એને પાણી આપ્યું. એ વખતે માજીની નજર રાજાના હાથ પર પડી. એમણે વીંટી જોઈ એટલે તરત રાજાને ઓળખી ગયાં.
માજીએ રાજાને કટાઈ ગએલી, તૂટેલી બાલદી આપી. રાજાને થયું કે માજી મને ઓળખતાં નથી એટલે આવી તૂટેલી ચીજ આપે છે. રાજાએ બાલદીને એક કપડામાં વીંટાળી. બાલદીનો એક ટુકડો તૂટી ગયો. રાજાએ એને ઘસ્યો તો એમાંથી ધુમાડો નીકળ્યો અને એક વિચિત્ર જેવો માણસ પ્રગટ થયો. આ માણસ ઘડીકમાં ખુબ જ ઉંચો થઇ જાય તો ઘડીકમાં એકદમ નીચો થઇ જાય. ઘડીકમાં ખુબ જ જાડો થઇ જાય તો ઘડીકમાં એકદમ પાતળો થઇ જાય.
રાજાએ આવા અજાયબ માણસને પૂછ્યું, "તું કોણ છે?"
વિચિત્ર માણસે કહ્યું, "મારું નામ ખડબડ ખાં છે. હું ઉંચો, નીચો, જાડો, પાતળો થઇ શકું છું. હું તારું કોઈ પણ કામ કરી શકું".
રાજા ખડબડ ખાંને પોતાની સાથે લઇ ગયા. રાજાએ એમને કહ્યું કે મારો બગીચો સાફ કરી આપો. ખડબડ ખાંએ તરત જ બગીચો એકદમ સુંદર કરી આપ્યો. રાજાએ ક્યારેય આવો સુંદર બગીચો નહોતો જોયો. રાજા એમને ખુબ જ માનપાન આપવા લાગ્યા.
રાજાની હજામત કરવા આવતા હજામને આ ન ગમ્યું. એણે રાજાને કહ્યું કે તમે ખડબડ ખાંને કહો કે હિમાલયમાં થતું જીવતું ઝાડ, ગાતું પક્ષી લઇ આવે. રાજાએ ખડબડ ખાંને કહ્યું તો એ કહે કે આ તો બહુ જ મુશ્કેલ છે. રાજા કહે કે તમે નહીં લાવો તો હું ખાવા-પીવાનું છોડી દઈશ. ખડબડ ખાં હિમાલય જવા ઉપડયા.
ખડબડ ખાં ખુબ જ ઊંચા થઇ ગયા અને લાંબા પગલાં ભરતા હિમાલય પહોંચી ગયા. ત્યાં ગામ લોકોને જીવતા ઝાડ, ગાતા પક્ષી વિષે પૂછ્યું તો ગામ લોકો કહે કે એની આસપાસ ભયંકર રાક્ષસો રહે છે. તમે બેહોશીનું અત્તર લઇ જાવ અને રાક્ષસોને બેભાન કરી દેજો. ખડબડ ખાં એકદમ નીચા થઇ ગયા અને જીવતા ઝાડ પાસે ગયા. એમણે રાક્ષસો પર બેહોશીનું અત્તર નાખ્યું અને એમને બેભાન કરી દીધા. પણ એક કાણો રાક્ષસ જલ્દી બેભાન ન થયો એ બધું જોઈ ગયો. ખડબડ ખાં જીવતું ઝાડ અને ગાતું પક્ષી લઈને ભાગ્યા એ કાણો રાક્ષસ જોઈ ગયો. ખડબડ ખાંએ રાજાને જીવતું ઝાડ અને ગાતું પક્ષી આપ્યાં એટલે રાજા તો ઘણો ખુશ થઇ ગયો. ખડબડ ખાંના માનપાન ઘણા વધી ગયા.
આથી હજામ વધારે ખિજાયો. એણે રાજાને ચઢાવ્યો કે તમે હજી કુંવારા છો તો ખડબડ ખાંને કહો કે તમારા માટે હિમાલયથી પદમણી લઇ આવે. રાજાએ ખડબડ ખાંને કહ્યું તો એ કહે કે આ તો બહુ જ મુશ્કેલ છે. રાજા રિસાઈ ગયો એટલે ખડબડ ખાં રાજા માટે પદમણી લેવા હિમાલય ગયા. ત્યાં ગામ લોકો એમને જોઇને રાજી રાજી થઇ ગયા. એમણે કહ્યું કે પદમણી તો અમારા રાજાની કુંવરી છે. એને હાથીઓ ઉપાડી ગયા છે. ખડબડ ખાં એકદમ નીચા થઇ ગયા અને હાથીઓ પાસે ગયા. એક મોટા હાથીએ પદમણીને એના કાનમાં રાખી હતી. ખડબડ ખાંએ હાથીઓ પર બેહોશીનું અત્તર નાખ્યું અને એમને બેભાન કરી દીધા. હાથીને ખબર ન પડે એ માટે ખડબડ ખાંએ પદમણીના વજન જેટલા વજનની લોટની ગુણી એના કાનમાં મૂકી દીધી. પછી પદમણીને પોતાની સાથે લઇ ગયા. રાજા સાથે પદમણીના લગ્ન કરાવ્યા.
રાજા રાણી સુખેથી રહેવા લાગ્યા. એવામાં એક નવી મુસીબત આવી પડી. પેલો કાણો રાક્ષસ જે ખડબડ ખાંને જોઈ ગયો હતો તે એમને શોધતો શોધતો આવી પહોંચ્યો. તે સાધુનો વેશ લઈને ગામ બહાર રહેવા લાગ્યો. ત્યાં આવતા લોકોને અને પશુઓને મારતો હતો. આ તકનો લાભ લઈને હજામે ખડબડ ખાંને મારી નાખવાનું નક્કી કર્યું. રાક્ષસને મળીને એણે એક યોજના કરી.
હજામે રાજાને કહ્યું કે ગામ બહાર એક સાધુ આવ્યા છે એના આશીર્વાદ લેવા જાવ. ખડબડ ખાંને પણ લઇ જાવ. રાજા ખડબડ ખાંને લઈ ગયા. રાક્ષસ તો આ તકની જ રાહ જોતો હતો. એણે રાજાને કહ્યું કે હું તમારા રાજયની શાંતી માટે એક હવન કરીશ. રાક્ષસે હવન કર્યો અને રાજાને તથા ખડબડ ખાંને અગ્નિકુંડના ફેરા ફરવા કહ્યું. એનો ઈરાદો ખડબડ ખાંને અગ્નિમાં નાંખી દેવાનો હતો. પણ ખડબડ ખાં ચેતી ગયા. તેઓ એકદમ ઊંચા અને જાડા બની ગયા. એમણે રાક્ષસને ઉપાડીને આગમાં નાંખી દીધો.
હવે ખડબડ ખાં સમજી ગયા હતા કે હજામ જ આવા કાવતરાં કરે છે. એમણે તક મળતાં જ હજામને ભગાડી મુક્યો. પછી એમણે પાછા જવા માટે રાજાની અનુમતિ માંગી. રાજા તો એમને હંમેશા પોતાની સાથે જ રાખવા માંગતા હતા. પરંતુ ખડબડ ખાંએ કહ્યું કે તેઓ કાયમ ત્યાં ન રહી શકે. ભવિષ્યમાં કોઈ મુસીબત આવે ત્યારે બોલાવજો. ખડબડ ખાંએ વિદાય લીધી. રાજા રાણી આનંદથી રહેવા લાગ્યા.
No comments:
Post a Comment