રામનો જન્મ
રામ અને એમના ભાઈઓનો જન્મ થયો એ પહેલાં દશરથ રાજા અને એમની પટરાણી કૌશલ્યાને શાંતા નામની એક દીકરી હતી. કૌશલ્યાની મોટી બહેન વર્ષિણી અને એના પતિ રોમપદ રાજાને કોઈ સંતાન નહોતું. રોમપદ અને દશરથ બંને એક જ આશ્રમમાં ભણ્યા હોવાથી પરમ મિત્રો હતા. એક વખત વર્ષિણી અયોધ્યામાં હતી ત્યારે એણે દશરથ સાથે મજાકમાં જ એક સંતાનની માંગણી કરી. દશરથ રાજાએ એને વચન આપ્યું કે તે એમની પુત્રી શાંતા દત્તક આપશે. રઘુકુળની વચન પાલનની પરંપરા મુજબ દશરથ રાજાએ અંગદેશના રાજા અને એમના મિત્ર રોમપદ રાજાને પુત્રી શાંતા દત્તક આપી.
સમય વીતતાં શાંતા એક સ્વરૂપવાન સ્ત્રી બની ગઈ. એક દિવસ એ રોમપદ રાજા સાથે વાતચીત કરી રહી હતી ત્યારે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. એણે વર્ષા ઋતુ દરમ્યાન ખેતી માટે રોમપદ રાજા પાસે મદદ માંગી. રોમપદ પોતાની પુત્રી શાંતા સાથે વાતચીતમાં વ્યસ્ત હતા એટલે એમણે બ્રાહ્મણની અવગણના કરી. આથી બ્રાહ્મણ એમનું રાજય છોડી જતો રહ્યો. પોતાના આ બ્રાહ્મણ ભકતનું આવું અપમાન થયેલું જોઇને મેઘરાજ ઇન્દ્ર ઘણા ગુસ્સે થઇ ગયા. એમણે રોમપદને સજા કરવાનું નક્કી કર્યું એટલે એ વર્ષા ઋતુમાં અંગદેશમાં વરસાદ ન પડ્યો.
આ શ્રાપમાંથી મુકત થવા રોમપદે રિશ્યશ્રુંગ ઋષિને વરસાદ માટે યજ્ઞ કરવા બોલાવ્યા. આ યજ્ઞ સફળ થતાં, દશરથ અને રોમપદે શાંતાના લગ્ન રિશ્યશ્રુંગ સાથે કરાવ્યાં.
હજી સુધી દશરથને કોઈ વારસદાર ન હોવાથી એમણે રિશ્યશ્રુંગને એમના માટે પણ યજ્ઞ કરવા બોલાવ્યા. આ યજ્ઞ બાદ અગ્નિ દેવે દશરથ રાજાને એમની રાણીઓ માટે પ્રસાદ આપ્યો જે ખાવાથી રામ અને એમના ભાઈઓના જન્મ થયા.
રામ વિષ્ણુના અવતાર ગણાય છે. ભરત અને શત્રુઘ્ન એમના સુદર્શન ચક્ર અને શંખ ગણાય છે. લક્ષ્મણ શેષનાગનો અવતાર ગણાય છે. શેષનાગ એ વૈકુંઠમાં વિષ્ણુની બેઠક છે.
લક્ષ્મણ રામના નાના ભાઈ હોવાથી એમને હંમેશાં રામના હુકમોનું પાલન કરવું પડતું. આથી એમને મોટા ભાઈ તરીકે જન્મ લેવો હતો. એમની આ ઈચ્છા પૂરી થઇ જયારે એમણે શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામ તરીકે જન્મ લીધો. કૃષ્ણ વિષ્ણુના અવતાર ગણાય છે અને બલરામ શેષનાગના અવતાર ગણાય છે.
રામ નામનો અર્થ
રઘુકુળના કુળગુરૂ મહર્ષિ વશિષ્ઠે દશરથ રાજાના જયેષ્ઠ પુત્રનું નામ રામ પાડ્યું. એમણે સમજાવ્યું કે 'રામ' નામ બે બીજ અક્ષરનું બને છે - અગ્નિ બીજ 'રા' અને અમૃત બીજ 'મ'. અગ્નિ બીજ આત્મા, મન અને શરીરને ઉદ્દીપ્ત કરે છે. અમૃત બીજ શરીરમાં પ્રાણ શક્તિ ચેતનવંત કરે છે.
રામાયણનું ગાયત્રી મંત્ર સાથેનું મહત્વ!
ગાયત્રી મંત્રમાં ૨૪ અક્ષરો છે. વાલ્મીકિ રામાયણમાં ૨૪૦૦૦ શ્લોક છે. રામાયણના પ્રત્યેક ૧૦૦૦ શ્લોકના પ્રથમ અક્ષરને લઇ, સાથે ગોઠવવાથી ગાયત્રી મંત્ર બને છે! ગાયત્રી મંત્રનો સૌપ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં થયો હતો છતાં રામાયણ સાથેનું એનું આવું ચમત્કારી મહત્વ છે.
હનુમાનજી રચિત રામાયણ
લંકાના યુદ્ધ બાદ હનુમાનજી હિમાલય ગયા. ભગવાન રામ પ્રત્યેના આદરને લઈને એમણે હિમાલયની પર્વતમાળામાં પોતાના નખ વડે રામ ચરિત - રામાયણ લખ્યું.
લક્ષ્મણની ૧૪ વર્ષની અનિદ્રા
લક્ષ્મણ જયારે રામ સાથે ૧૪ વર્ષના વનવાસમાં જઈ રહ્યા હતા ત્યારે એમની પત્ની ઉર્મિલા પણ એમની સાથે જ જવા માંગતી હતી. પરંતુ લક્ષ્મણે એને ઘરે જ રહેવા કહ્યું. વનમાં લક્ષ્મણે રાત દિવસ રામ અને સીતાનું રક્ષણ કરવાનું હતું. આથી એમણે નીંદર ઉપર વિજય મેળવવા નક્કી કર્યું. એમણે નીંદરની દેવી નિદ્રાની પૂજા કરી અને પોતાને ૧૪ વર્ષ સુધી નિદ્રામુક્ત કરવા વિનંતી કરી.
નિદ્રાદેવીએ લક્ષ્મણને જણાવ્યું કે નીંદરનું સંતુલન જાળવવા માટે એના બદલે બીજા કોઈએ નીંદર લેવી પડશે. આથી લક્ષ્મણે નિદ્રા દેવીને એની પત્ની ઉર્મિલાને નીંદર આપવા વિનંતી કરી. નિદ્રાદેવીએ અયોધ્યાના રાજમહેલમાં જઈને ઉર્મિલાને પૂછ્યું કે તે લક્ષ્મણને બદલે નીંદર લેવા તૈયાર છે? ઉર્મિલા ૧૪ વર્ષ સુધી સુતાં રહીને રામ,સીતા,લક્ષ્મણને મદદ કરવા તૈયાર થઇ!
વનવાસના ૧૪ વર્ષ પુરા થયા અને રામનો રાજયાભિષેક થયો તે દિવસ સુધી ઉર્મિલા સુતાં રહ્યાં. જો ઉર્મિલાએ આવું ન કર્યું હોત તો લક્ષ્મણ, રાવણના પુત્ર મેઘનાદનો વધ ન કરી શક્યો હોત કારણકે મેઘનાદને એવું વરદાન હતું કે માત્ર "ગુડાકેશ" જ એનો વધ કરી શકે. ગુડાકેશ એટલે કે જેણે નિંદરને પરાસ્ત કરી હોય એવી વ્યક્તિ.
રાવણના દસ માથાંની કથા
રાવણ એ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. એ મહાવિદ્વાન, ઉત્તમ રાજવી અને વીણા વાદનનો ઉસ્તાદ હતો. વિદ્યા મેળવ્યા બાદ, નર્મદા નદીને કિનારે રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા ઉગ્ર તપ કર્યું. ભગવાનને પ્રસન્ન કરવા રાવણે એનો પોતાનો શિરચ્છેદ કર્યો. દર વખતે એનો શિરચ્છેદ થતો ત્યારે એનું શિર ફરી આવી જતું. આવું દસ વખત બન્યું. અંતે શિવજી પ્રસન્ન થયા. રાવણે દસ વખત શિર બલિદાન કર્યું હતું એટલે શિવજીએ એને દસ માથાં આપ્યાં. હકીકતમાં આ દસ માથાં એટલે રાવણે છ શાસ્ત્રો અને ચાર વેદ પારંગત કર્યા હતા એ સૂચવે છે.
રાવણે પછી લંકા ઉપર વિજય મેળવ્યો. ત્યાર બાદ એ શિવને મળવા કૈલાશ ગયો. શિવના રક્ષક નંદીએ એને પ્રવેશ ન આપ્યો. આથી રાવણ ચિડાઈ ગયો અને એણે નંદીની સતામણી કરી. નંદીએ એને શ્રાપ આપ્યો કે એક વાનર એની લંકાનો નાશ કરશે! પોતાની શિવ પ્રત્યેની સમર્પિતતા સાબિત કરવા રાવણે કૈલાશ પર્વત ઉંચો કરવા પ્રયત્ન કર્યો. શિવે ગુસ્સે થઈને એમના પગનો અંગુઠો કૈલાશ ઉપર મુક્યો. રાવણનો હાથ પર્વત નીચે દબાઈ ગયો. આ એટલું બધું દર્દનાક હતું કે એની ચીસોથી આખું જગત હલી ઉઠ્યું.
હનુમાનજી બન્યા બજરંગ બલી!
રામ અયોધ્યાના રાજા બન્યા પછી એક દિવસ હનુમાનજીએ સીતાને લલાટમાં સિંદુર પુરતાં જોયાં. હનુમાનજીએ ઉત્સુકતાથી એમને આ વિષે પૂછ્યું. સીતાએ એમને કહ્યું કે સૌભાગ્યવતી સ્ત્રી માટે આ એક વિધિ છે જેના થકી એના પતિને તંદુરસ્તીભર્યું દીર્ધાયુષ્ય મળે. એટલે કે રામને દીર્ધાયુષ્ય મળે.
હનુમાનજી તો રામના પરમ ભક્ત હતા. આથી એમણે રામના તંદુરસ્તીભર્યા દીર્ધાયુષ્ય માટે આખા શરીર પર સિંદુર લગાવી દીધું! તેઓ સંપૂર્ણપણે કેસરી થઇ ગયા! બજરંગ એટલે કેસરી. આથી હનુમાનજી બજરંગબલી કહેવાયા!
હનુમાનજીએ રામ સાથે યુદ્ધ કર્યું!
એક વખત રામના ગુરુ વિશ્વામિત્રએ રામને યયાતિનો વધ કરવા આદેશ કર્યો. આ જાણીને યયાતિએ હનુમાનજી પાસે મદદ માંગી. યયાતિનો વધ કરવા માટે રામ આવી રહ્યા છે એ જાણ્યા વગર જ હનુમાનજીએ યયાતિને વચન આપી દીધું કે કોઈ પણ પ્રકારના સંકટ સામે એનું રક્ષણ કરશે.
આમ, હનુમાનજીએ રામ સાથે યુદ્ધમાં ઉતરવું પડ્યું! રામ તો એમના ગુરુ વિશ્વામિત્રના આદેશનું પાલન કરવા માટે યયાતિ સામે લડતા હતા એટલે એમણે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. પરંતુ હનુમાનજીએ એમના ભગવાન રામ સામે કોઈ પણ શસ્ત્રનો ઉપયોગ ન કર્યો. હનુમાનજી તો યુદ્ધભૂમિમાં રામ નામનું રટણ કરતા ઉભા રહ્યા.
રામ નામ રટતા હનુમાનજી પર રામના ધનુષમાંથી નીકળતા તીરની કોઈ જ અસર થતી નહોતી. રામ નામનું રટણ જ એમનું રક્ષણ કરતું હતું. છેવટે રામે નમતું જોખ્યું. ગુરુ વિશ્વામિત્રએ હનુમાનજીની રામ પ્રત્યેની આવી ભક્તિ અને એમનું શોર્ય જોઇને રામને એમના આદેશમાંથી મુક્ત કર્યા. એમણે હનુમાનજીને "વીર હનુમાન" એવું નામ આપ્યું.
રામ રાવણ યુદ્ધ માટે શુર્પણખા જવાબદાર બની
રામાયણના ઘણા વૃત્તાંત મળે છે. કેટલાક વૃત્તાંત મુજબ રાવણની બહેન શૂર્પણખાને (જેનું અસલ નામ મીનાક્ષી હતું) રામ પ્રત્યે આકર્ષણ હોવાથી એ રામ પાસે ગઈ હતી પરંતુ રામ તો સીતા પ્રત્યે પ્રતિબદ્ધ હતા એટલે એમણે એને જાકારો આપ્યો. પરંતુ ઘણા વૃત્તાંત અનુસાર શૂર્પણખા રામના પ્રેમમાં નહોતી પડી.
કેટલાક વૃત્તાંત મુજબ શૂર્પણખા દુષ્ટબુદ્ધિ નામના રાક્ષસને પરણી હતી. શરૂઆતમાં તો દુષ્ટબુદ્ધિએ રાવણ સાથે સારા સંબંધો રાખ્યા. પણ પછીથી એ વધારે સત્તા માંગવા માંડ્યો. આથી રાવણે દુષ્ટબુદ્ધિનો વધ કરી નાંખ્યો.
શૂર્પણખા એના પતિના મૃત્યુનો બદલો લેવા માંગતી હતી. શૂર્પણખાને ખ્યાલ હતો કે રાવણનો વધ કરી શકે એવા શક્તિશાળી તો માત્ર રામ જ છે. આથી એ રામ અને લક્ષ્મણ પાસે ગઈ. એણે લક્ષ્મણ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કર્યો એટલે લક્ષ્મણે એનું નાક કાપી નાંખ્યું. આનાથી ગુસ્સે થયેલા રાવણે સીતાનું અપહરણ કર્યું.
જો શૂર્પણખાએ એના ભાઈ રાવણ સામે બદલો લેવાનું ન વિચાર્યું હોત તો કદાચ રામ-રાવણ વચ્ચે યુદ્ધ ન થયું હોત!
ભગવાન રામે ખિસકોલીને સફેદ પટ્ટા આપ્યા
રાવણ પરના વિજયમાં અંગદની મહત્વની ભૂમિકા
લંકાના યુદ્ધમાં માત્ર રાવણ જ રામ અને એમની વાનરસેના સામે યુદ્ધ કરવા હયાત રહ્યો ત્યારે એણે પોતાના વિજય માટે એક યજ્ઞનું આયોજન કર્યું. રામ જાણતા હતા કે રાવણ એનો આ યજ્ઞ છોડી ન શકે. રામે વાલીના પુત્ર અંગદને આ યજ્ઞને અપવિત્ર કરી એનો નાશ કરવા કહ્યું.
અંગદ એની વાનરસેના લઈને રાવણના મહેલમાં ગયો. ત્યાં એમણે હિંસાચાર કરી દીધો. છતાં રાવણ પર એની કોઈ જ અસર ન થઇ. રાવણનું ધ્યાન દોરવા અને એને યજ્ઞ છોડવા મજબુર કરવા માટે અંગદ રાવણની પત્ની મંદોદરીને વાળથી પકડીને રાવણ સામે ઢસડી લાવ્યો.
તેમ છતાં રાવણનું ધ્યાન દેવોને પ્રસન્ન કરવા યજ્ઞમાં જ હતું. આથી મંદોદરીએ એને મદદ માટે આજીજી કરી. મંદોદરીએ એને ટોણો માર્યો કે રામ એમની પત્ની માટે શું કરે છે તે જુવો! (રામે તો સીતા માટે રાવણ સામે યુદ્ધ કર્યું હતું). આથી રાવણ યજ્ઞ છોડવા મજબુર બન્યો. આમ એનો યજ્ઞ પૂરો ન થયો અને યજ્ઞ કરી રામને હરાવવાની એની ઈચ્છા ન ફળી.
લક્ષ્મણનો દેહાંત
સીતા ધરતીમાં સમાઈ ગયાં પછી રામને લાગ્યું કે ધરતી પરનું એમનું અવતાર કાર્ય સમાપ્ત થયું હોવાથી વૈકુંઠમાં પાછા ફરવાનો વખત આવી ગયો છે. રામ જાણતા હતા કે હનુમાનજી કોઈ પણ સંજોગમાં મૃત્યુના દેવ યમને એમની નજીક નહીં આવવા દે.
હનુમાનજીનું ધ્યાન બીજે દોરવાય એટલા માટે રામે એમની વીંટી પાતાળમાં ફેંકી દીધી અને હનુમાનજીને એ વીંટી લઇ આવવા કહ્યું. હનુમાનજી ગયા એટલે રામે યમને બોલાવ્યા. યમે એવી શરત મૂકી કે એમની અને રામ વચ્ચેની વાતચીત ગુપ્ત રહેવી જોઈએ. જો કોઈ એમની વાતચીતમાં અવરોધ કરે તો રામે એ વ્યક્તિનો વધ કરવો. આથી રામે લક્ષ્મણને દ્વાર પર પહેરો ભરવા કહ્યું. કોઈ પણ એમની અને યમ વચ્ચેની વાતચીતમાં અવરોધ કરવા ન આવે એની ખાતરી રાખવા કહ્યું.
દરમ્યાનમાં દુર્વાસા ઋષિ રામને મળવા આવ્યા. લક્ષ્મણે એમને મળવા ન દીધા. એમણે ચેતવણી આપી કે જો રામને મળવા નહીં દે તો એ અયોધ્યાને શ્રાપ આપી દેશે. દુર્વાસાના ક્રોધથી તો સૌ ડરે. આથી આ પરિસ્થિતિમાં લક્ષ્મણને લાગ્યું કે રામ સાથે જઈને આ વાત કરવી જોઈએ.
આમ લક્ષ્મણે રામ અને યમની વાતચીતમાં અવરોધ કર્યો. રઘુકુળની તો એવી પરંપરા છે કે પ્રાણના ભોગે પણ વચન પાલન કરવું જ. રામે યમને એવું વચન આપ્યું હતું કે એમના વચ્ચેની વાતચીતમાં કોઈ અવરોધ કરશે તો એનો વધ કરશે. આથી રામે આપેલા વચનનો અમલ કરવા લક્ષ્મણે જાતે જ સરયુ નદીમાં જઈને પ્રાણ ત્યાગ કર્યો.
રામનો દેહાંત
લક્ષ્મણના દેહાંત બાદ વૈકુંઠ પાછા જવા માટે રામનો સમય થઇ ગયો હતો.રામ જાણતા હતા કે હનુમાનજી કોઈ પણ સંજોગમાં મૃત્યુના દેવ યમને એમની નજીક નહીં આવવા દે. હનુમાનજીનું ધ્યાન બીજે દોરવાય એટલા માટે રામે એમની વીંટી પાતાળમાં ફેંકી દીધી અને હનુમાનજીને એ વીંટી લઇ આવવા કહ્યું.
હનુમાનજીએ નાગલોકમાં પહોંચીને નાગરાજાને રામની વીંટી વિષે પૂછ્યું. નાગરાજાએ રામની વીંટીઓ રાખેલી એક તિજોરી બતાવી. રામની આટલી બધી વીંટીઓ જોઇને હનુમાનજી તો ડઘાઈ જ ગયા.
વાનરરાજ સુગ્રીવના મોટાભાઈ વાલીને એવું વરદાન હતું કે એની સાથે જે કોઈ દ્વંદ્વયુદ્ધ કરે એની અડધી શક્તિ વાલીને મળી જાય. એક વાર રાવણે અજેય વાલીને દ્વંદ્વયુદ્ધ માટે લલકાર્યો. ક્રોધિત વાલીએ રાવણને એના માથાથી ઢસડીને આખી પૃથ્વી ફરતે ફેરવ્યો અને એની પાસે હાર કબુલાવી.
વાલીએ બળજબરી પૂર્વક સુગ્રીવની પત્ની અને એનું રાજય કિસ્કીંધા પડાવી લીધાં. સુગ્રીવ એનું રાજય છોડીને ભાગ્યો અને વાનરવીર હનુમાનને મળ્યો. દરમ્યાનમાં, વનમાં સીતાને શોધી રહેલા રામે કદંબ નામના રાક્ષસનો વધ કર્યો. રામ દ્વારા મૃત્યુ મળતાં કદંબ શ્રાપમુક્ત થયો. એણે રામને સીતાની શોધ માટે સુગ્રીવની મદદ લેવા જણાવ્યું.
રામ સુગ્રીવને મળ્યા ત્યારે એણે રામ પાસે પોતાને વાલીથી બચાવવા મદદ માંગી. રામે વાલીનો વધ કરવા નક્કી કર્યું.
વાલી અને સુગ્રીવ દ્વંદ્વયુદ્ધ કરી રહ્યા હતા ત્યારે રામે ઝાડ પાછળ છુપાઈને વાલી પર પ્રહાર કર્યો. ક્રોધિત વાલીએ રામ પર આક્ષેપ કર્યો કે રામે એને દ્વંદ્વયુદ્ધ માટે લલકાર્યા વગર દગો કર્યો છે. રામે એને કહ્યું કે જો કોઈ સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરે તો સદાચારી માણસની ફરજ છે કે એને સજા કરે. રામ એ પણ જાણતા હતા કે એમણે યુદ્ધના નિયમનો ભંગ કરીને વાલીનો વધ કર્યો છે. આથી એમણે વાલીને વચન આપ્યું કે એમના-વિષ્ણુના બીજા અવતારમાં વાલી એમના મૃત્યુ માટે નિમિત્ત બનશે અને એ રીતે આ ઘટનાનો બદલો લેશે.
No comments:
Post a Comment